ચાણક્યની સલાહ : કોઈને કહ્યા વગર જ તમારું કામ શરૂ કરી દો.

ચાણક્યને આપણે માત્ર રાજનીતિ પૂરતા સીમિત કરી દીધા છે. વાસ્તવમાં ચાણક્યએ કહેલી વાતો જીવનના દરેક સ્તરે બહુ ઉપયોગી છે. મૂળ નામ તો વિષ્ણુગુપ્ત, પણ ‘ચાણક્ય’ તરીકે ઓળખાયા. મક્કમ મનોબળ, પ્રચંડ આત્મવિશ્વાસ, તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભા, ચતુર રાજનીતિજ્ઞ અને મહાપંડિત. આજથી અઢી હજાર વર્ષ પહેલાં જન્મેલા, પણ એમણે દેશ, કુટુંબ, મહિલા, રાજનીતિ કે જીવનવ્યવહાર વિશે જે ચિંતન રજૂ કરેલું એ આજ એકવીસમી સદીમાં પણ વ્યવહારુ અને મૂલ્યવાન છે.

એમણે શિક્ષણ, રાષ્ટ્ર અને રાજનીતિ માટે સચોટ અને સ્પષ્ટ દિશાદર્શન કર્યું છે. ચાણક્ય સમાજજીવનની દરેક બાબતને સ્પર્શ્યા છે. જોકે, એમની ચાતુવર્ણવ્યવસ્થા અંગે કરેલી ટિપ્પણીઓ કે મહિલાઓ બાબતે કરેલાં વિધાન ગળે ઊતરે એવાં નથી. ચાણક્યે વિદેશી આક્રમણને ખાળવા ભારતને સંગઠિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. એમના જીવન વિશે વધુ લખવા કરતાં આજના સમયમાં પણ એવી એમની કેટલીક નીતિઓ જાણીએ અને અમલ કરીએ તો આપણો અને આપણાં કુટુંબનો ઉદ્ધાર થઈ જાય.

મહત્ત્વપૂર્ણ કાર્ય સમયે સેવકની, દુ:ખ આવી પડે ત્યારે સગાંસંબંધીઓની, મુશ્કેલીમાં મિત્રની અને દરિદ્રાવસ્થામાં પત્નીની કસોટી થાય. કોઇ રોગ થયો હોય, દુ:ખ આવી પડે, દુશ્મનો મુશ્કેલી સર્જે, કોઇના મૃત્યુની અણીએ પણ જે વ્યક્તિ સાથ ન છોડે વાસ્તવમાં એ જ સાચો મિત્ર છે. જે માણસ નિશ્ચિત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ દોડે છે એ હાથમાં આવેલું કાર્ય અથવા પ્રાપ્ત થયેલી વસ્તુ પણ ગુમાવે છે. જેનો પુત્ર આજ્ઞાકારી, જેની પત્ની ધાર્મિક અને પવિત્ર હોય, જે પોતાના ધન-વૈભવ અર્થાત્ પોતાની પાસે જે કંઇ છે એનાથી સંતુષ્ટ છે તેના માટે અહીં પૃથ્વી પર જ સ્વર્ગ છે.

જે તમારી સામે તમારાં કાર્યોની પ્રશંસા કરે અને તમારી પીઠ પાછળ તમારી ટીકા કરી તમારું કાર્ય બગાડે તેવો મિત્ર ઉપરથી દૂધ ભરેલા ઘડા જેવો છે, એવા મિત્રને છોડી દેવામાં જ ભલાઇ છે. જે કાર્ય કરવાની યોજના બનાવી હોય કે નિર્ણય કર્યો હોય તેનું ગુપ્તમંત્રની જેમ રક્ષણ કરો. કોઇને પણ કહ્યા વગર કરેલા નિર્ણય પ્રમાણે કામ શરૂ કરી દો અને કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને ગુપ્ત રાખો, એનો ઢંઢેરો ન પીટો. બુદ્ધિમાન લોકોએ પોતાના સંતાનને હંમેશાં વિવિધ પ્રકારના સદાચારનું શિક્ષણ આપવું જોઇએ. નીતિવાન સદાચારી સંતાનો જ કુળમાં પૂજાય છે. પોતાનાં સંતાનોને અભ્યાસ ન કરાવનાર માતા-પિતા શત્રુ સમાન છે. હંસોની સભામાં બગલો ન શોભે એમ સાક્ષરોની સભામાં અભણ માણસ શોભતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *