સરદાર સરોવરના સ્વપ્ન દ્રષ્ટા પૂર્વ સીએમ ચીમન પટેલ: ગુજરાતના હિત માટે જેણે ઇન્દિરા સામે વિદ્રોહ કર્યો હતો

પાટીદાર સમાજમાંથી બનેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની આજે જન્મતિથી છે. ચીમનભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમનો જન્મ ૩ જૂન, ૧૯૨૯ના રોજ, વડોદરાજિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા…

પાટીદાર સમાજમાંથી બનેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની આજે જન્મતિથી છે. ચીમનભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમનો જન્મ ૩ જૂન, ૧૯૨૯ના રોજ, વડોદરાજિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે થયેલો. તેઓ ૧૯૫૦માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠનના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયેલા. તેમણે એ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રના અનુસ્નાતકની પદવી મેળવેલી.

રાજકીય કારકિર્દી

૧૯૬૭માં તેઓ સંખેડા વિધાનસભા ક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને હિતેન્દ્ર દેસાઈના મંત્રીમંડળમાં જોડાયા. તેઓ ઘનશ્યામભાઈ ઓઝાના મંત્રીમંડળમાં પણ મંત્રીપદે રહેલા. ૧૭ જુલાઇ, ૧૯૭૩માં ઘનશ્યામભાઈ ઓઝાની સરકારને ગબડાવી અને તેઓ મુખ્યમંત્રી બન્યા.

ગુજરાતની વાત કરીએ તો, અહીં ચીમનભાઈ પટેલે તેમને મુખ્યપ્રધાન બનાવનાર ઇન્દિરા ગાંધી સામે બળવો કર્યો હતો. ૧૯૭૧ની વાત છે. ત્યારે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી દેશના સર્વેસર્વા જેવાં હતાં.

એ વખતે મુખ્યપ્રધાનોને પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો ચૂંટતા નહીં, પરંતુ ઇન્દિરા ગાંધી નક્કી કરે તે જ મુખ્યપ્રધાન બનતા. ઓરિસ્સામાં નંદીની સત્પથીને, પ. બંગાળમાં સિદ્ધાર્થ શંકર રેને અને ગુજરાતમાં ઘનશ્યામ ઓઝાને મુખ્યપ્રધાન બનાવાયા.

ચીમનભાઈ પટેલને આ નિર્ણય મંજૂર નહોતો. તેમણે ઓઝા સામે બળવો કર્યો.

ઇન્દિરા ગાંધી ચીમનભાઈ પટેલને મુખ્યપ્રધાન બનાવવા માગતા નહોતા કારણકે તેઓ તેમના કહ્યામાં રહે તેવા નહોતા.

પરંતુ ચીમનભાઈ પટેલ ઇન્દિરા ગાંધીને નવી દિલ્હીમાં મળ્યા અને મોઢા પર જ કહી દીધું કે, પક્ષના નેતા ધારાસભ્યો ચૂંટશે, તેમાં તમારી મરજી નહીં ચાલે!

જોકે, ધારાસભા પક્ષના નેતાની ચૂંટણી તો ગાંધીનગરમાં થઈ પરંતુ તેની મતગણતરી દિલ્હીમાં તત્કાલીન વિદેશ પ્રધાન સ્વર્ણસિંહની ઑફિસમાં!

ચીમનભાઈ કાંતિલાલ ઘિયા સામે સાત મતે પણ જીત્યા ખરા.

એ જ વખતે ઇન્દિરા ગાંધીએ ચીમનભાઈને પાઠ ભણાવવાની ગાંઠ વાળી લીધી.

ચીમનભાઈની સરકાર બની એટલે તેમણે ગુજરાતને મળતો ઘઉંના પૂરવઠામાં કાપ મૂક્યો.

એક લાખ પચાસ હજાર ટનમાંથી માત્ર પંચાવન હજાર ટન ઘઉં જ ગુજરાતને મળવા લાગ્યા!

પરિણામ એ આવ્યું કે ચીમનભાઈએ છાત્રાલયને અપાતી સબસિડી બંધ કરી દીધી. ભોજનની થાળી પાંચ ગણી મોંઘી થઈ ગઈ!

આમાંથી જન્મ્યું નવનિર્માણ આંદોલન. આંદોલન પાછળ શરૂઆતમાં ઇન્દિરા ગાંધીનો જ દોરીસંચાર હતો તે એ વાત પરથી પ્રતિપાદિત થાય છે કે આંદોલનના ઘણા નેતા બાદમાં કૉંગ્રેસમાં જોડાયા હતા.

પરિણામે ચીમનભાઈ પટેલને રાજીનામું આપવું પડ્યું

તેઓએ ૯ ફેબ્રુઆરી, ૧૯૭૪ સુધી આ પદભાર સંભાળ્યો.

૧૯૭૪માં ભ્રષ્ટાચાર વિરુદ્ધના નવનિર્માણ આંદોલનને કારણે તેઓને પદ છોડવું પડ્યું. પક્ષમાંથી હકાલપટ્ટી બાદ તેઓએ બાબુભાઈ જશભાઈ પટેલની આગેવાની હેઠળના જનતા મોર્ચાની સરકારની રચનામાં સહયોગ આપ્યો.

તેઓ ફરીથી ૪ માર્ચ, ૧૯૯૦ના રોજ, જનતા દળ-ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન વાળી સરકારમાં મુખ્યમંત્રી બન્યા.

૨૫ ઓક્ટોબર, ૧૯૯૦માં ગઠબંધનમાં ભંગાણ પડ્યું અને તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૩૪ ધારાસભ્યોનો ટેકો લઈ પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યા.

પછીથી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેમના અવસાન, ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪, સુધી જોડાયેલા રહ્યા.

તેઓ સ્વપ્નદૃષ્ટા નેતા અને આધુનિક ઔદ્યોગીક ગુજરાતનાં નિર્માતા તરીકે યાદ રખાયા. તેમણે મુખ્યમંત્રી તરીકેની પોતાની પ્રથમ મુદ્દતમાં ‘સરદાર સરોવર બંધ (નર્મદા બંધ) પરિયોજના’ની પરિકલ્પના કરી અને બીજી મુદ્દતમાં નર્મદા બંધનું અસરકારક બાંધકામ કરાયું. તેમણે નર્મદા બંધને ગુજરાતની જીવાદોરી સમાન ગણાવેલો.

આ ઉપરાંત તેઓ એવા પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે ગુજરાતના ઔદ્યોગીકરણની મહાયોજનાના ભાગરૂપે ખાનગી ક્ષેત્રો મારફત ગુજરાતના બંદરો, રિફાઈનરીઓ અને વિજ ઉત્પાદન મથકોના વિકાસના અમલકર્તા બન્યા હોય.

પોતાની બીજી મુદ્દત દરમિયાન તેઓ સમગ્ર ભારતમા પ્રથમમાંના એક એવા મુખ્યમંત્રી હતા જેમણે ગૌવધ, અને મહત્વના જૈન તહેવાર પર્યુષણના દશ દિવસો દરમિયાન દરેક પ્રકારના પ્રાણીઓના વધ અને માંસના વેચાણ, પર પ્રતિબંધ મુકતો કાયદો પસાર કર્યો. આ કાયદાકીય પ્રતિબંધ તા: ૩ ઓક્ટોબર, ૧૯૯૩થી અમલમાં આવ્યો.

-પોપટભાઈ પટેલ ઘેલડા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *