નવસારી(Navsari): બીલીમોરા શહેરના ગૌહર બાગ વિસ્તારમાં આવેલી ફૂલોની દુકાનમાં રાત્રે અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને કુતૂહલવશ જોવા લોકો ભેગા થયા હતા. ત્યારે દુર્ભાગ્ય દુકાનમાંથી ગેસના બોટલમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેમા આગની ઘટના જોવા ઉભેલા યુવાન ઉપર કાટમાળ પડતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
સ્થળ પર જ યુવાનનું મોત
ગૌહરબાગ વિસ્તારમાં કલ્પના ફ્લાવર નામની દુકાન આવી છે. જેમાં કામ કરતો કર્મચારી દુકાનમાં જ રસોઈ બનાવતો હતો. રોજ રસોઈ કરીને જમીને દુકાન બંધ કરી કારીગર અન્યત્ર રહેવા માટે જતો હતો. નિત્યક્રમ મુજબ ગઇકાલે રાત્રે પણ તેણે રસોઈ કર્યા બાદ ગેસનું રેગ્યુલેટર અને અન્ય વીજળીનાં ઉપકરણો બંધ કરી ઘરે ગયો હતો.
ત્યારે રાત્રે 1થી 1:30 વાગ્યાના સુમારે દુકાનમાંથી આગના ગોટેગોટા નીકળતા લોકોએ જોયા હતા. ત્યારે આગ જોવા માટે આંતલીયા જીઆઈડીસી રોડ પર રહેતા ૩૩ વર્ષીય શશીકાંતભાઈ પરસોત્તમભાઈ પટેલ પણ ઉભો રહ્યો હતો. ત્યારે કાળ બની ગેસનો બાટલો ફાટ્યો હતો અને તેનો લોંખડનો કાટમાળ શશીકાંતભાઈના માથામાં વાગતા સ્થળ પર જ કમાટી ભર્યું તેમનું મોત નિપજ્યું હતું.
યુવાન ફાર્મસી કંપનીમાં નોકરી કરતો હતો
સચિન ખાતે ફાર્મસી કંપનીમાં નોકરી કરતા શશીકાંત પરસોતમભાઈ પટેલ પોતાના મિત્રને મળવા રાત્રે તેના ઘરે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આગ જોતા રોડની બીજી બાજુ ઊભા હતા ત્યારે આ સમગ્ર ઘટના બની હતી. આ સમગ્ર મામલે બીલીમોરા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલમાં ઘટના સ્થળ ઉપર FSL અને વીજળી વિભાગના અધિકારીઓ આવીને આગના કારણે તપાસ શરૂ કરી છે. હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.