વિદેશીઓમાં ચારધામ યાત્રા માટે અનેરો ઉત્સાહ; અમેરિકામાંથી 3000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

Chardham 2025 Registration: ભારત તેમજ અન્ય દેશોના ભક્તો ચારધામ યાત્રામાં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સુક છે. ચારધામ યાત્રા માટે અમેરિકાથી 3,200 થી વધુ શ્રદ્ધાળુઓએ (Chardham 2025 Registration) નોંધણી કરાવી છે. બીજા નંબર પર, નેપાળથી લગભગ 1800 શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રા માટે નોંધણી કરાવી હતી અને ત્રીજા નંબર પર, મલેશિયાથી 1400થી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી હતી. ગયા વર્ષે 49,556વિદેશી શ્રદ્ધાળુઓ ચારધામ આવ્યા હતા.

20 માર્ચથી ઓનલાઈન નોંધણી શરૂ થઈ
રાજ્યમાં 30 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે ભક્તો મોટી સંખ્યામાં નોંધણી કરાવી રહ્યા છે. ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદે ચારધામ યાત્રા-2025માં યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે 20 માર્ચથી ઓનલાઇન આધાર અને પાસપોર્ટ આધારિત નોંધણી શરૂ કરી હતી. જેથી ભક્તોને તેમની નોંધાયેલ તારીખે દર્શનનો લાભ મળી શકે.

ચારેય ધામના દરવાજા અલગ અલગ દિવસોમાં ખુલશે
ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા 30 એપ્રિલે ખુલશે, જ્યારે કેદારનાથના દરવાજા ૨ મેના રોજ ખુલશે અને બદ્રીનાથ 4 મેના રોજ ખુલશે, જે યાત્રાની પૂર્ણ સ્વરૂપે શરૂઆત કરશે. આખરે, હેમકુંડ સાહિબના દરવાજા 25 મે ના રોજ ખુલશે. ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદના સંયુક્ત નિયામક અને ચારધામ યાત્રાના નોડલ અધિકારી યોગેન્દ્ર ગંગવારે ભક્તોને નોંધણી વગર ચારધામ યાત્રામાં ભાગ ન લેવા અપીલ કરી છે.

UTDB એ ટોલ ફ્રી નંબર જારી કર્યો
ચારધામ યાત્રા માટે નોંધણી અને મુસાફરી સંબંધિત સમસ્યાઓ અને પ્રશ્નો માટે UTDB એ ટોલ ફ્રી નંબર (0135-1364) જારી કર્યો છે. જેના દ્વારા ભક્તોની સમસ્યાઓનું 24 કલાક નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.