સુરતમાં કેમિકલ માફિયાઓના પાપે ઝેરી ગેસ ફેલાવાથી 6 મજૂરોના મોત, 7 વેન્ટિલેટર પર, 25ને અસર

સુરત(Surat): શહેરના સચિન GIDCમાં કેમિકલ ભરેલું ટેન્કર(Chemical tanker) ખુલ્લામાં ઠાલવવામાં આવતાં ઝેરી ગેસ(Toxic gas)ની અસરથી 6 મજૂરોના કરુણ મોત થયાં છે, જ્યારે 23થી વધુ મજૂરો…

સુરત(Surat): શહેરના સચિન GIDCમાં કેમિકલ ભરેલું ટેન્કર(Chemical tanker) ખુલ્લામાં ઠાલવવામાં આવતાં ઝેરી ગેસ(Toxic gas)ની અસરથી 6 મજૂરોના કરુણ મોત થયાં છે, જ્યારે 23થી વધુ મજૂરો અને કારીગરોને ગૂંગળામણ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસડવામાં આવ્યા છે. તેમાં GIDCમાં આવેલી વિશ્વ પ્રેમ મિલના 10 કારીગર અને અન્ય મજૂરો આ ઝેરી કેમિકલથી અસરગ્રસ્ત થયા છે. આ ઘટના અંગેની જાણ થતાં જ ફાયર વિભાગ(Fire Department) દોડતું થઇ ગયું છે. હાલ તમામ અસરગ્રસ્તોને સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું:
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને કહ્યું કે, સુરત ખાતે ગેસ લીક થવાથી ઘણા લોકોના દુર્ભાગ્યપૂર્ણ નિધન થયા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ ઘટનામાં જે લોકો બીમાર પડ્યા છે તેમના સ્વાસ્થ્યની કામના કરું છું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જુઓ શું કહ્યું:
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવતા કહ્યું હતું કે, અસરગ્રસ્ત તમામ લોકોની પહેલા ઝડપથી સારવાર ચાલી રહી છે એ પ્રાથમિકતા છે. ત્યાર પછી જે જરૂર હશે તે આગળ કરવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા બે-ત્રણ ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી છે. કેમિકલ ટેન્કરનો ડ્રાઈવર હાલ બેભાન અવસ્થામાં છે, પણ ભાનમાં આવી જશે એવી પુરેપુરી શક્યતા છે. ટેન્કરમાં જે કેમિકલ ભરવામાં આવ્યું હતું તે થોડું હેવી હશે, કેમ કે તેની પહેલા માળ સુધી અસર થઈ હશે, જોકે હાલમાં આ ઘટનાની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.

સીઆર પાટીલે દુર્ઘટનાને લઈને શોકની લાગણી વ્યક્ત કરી:
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલે સચિન જીઆઈડીસીની દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. સચિન જીઆઈડીસીમાં ઝેરી કેમિકલ ભરેલાં ટેન્કરો જે ખાલી કરવા આવે છે એના માલિકોને શોધીને તેમની સામે ગંભીર ગુનો દાખલ કરવો જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

મળતી માહિતી અનુસાર, સચિન GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરથી 8-10 મીટર દૂર જ તમામ મજૂરો સુઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ ટેન્કરની ડ્રેનેજ પાઇપ લીક થઇ જતા ઝેરી ગેસ ફેલાયો હતો, જેને કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર એની ગંભીર અસર થઈ હતી. હાલ આ તમામ મજૂર સહિત મિલ કારીગરોને આજુબાજુની હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

એમ્બ્યુલન્સનો ખડકલો કરવો પડ્યો: 108 પ્રોજેકટ મેનેજર પઠાણએ જણાવતા કહ્યું હતું કે, ઘટના લગભગ સવા ચાર વાગ્યા આસપાસ બની હતી. પ્રથમ કોલ સચિન લોકેશનની એમ્બ્યુલન્સને કરવામાં આવ્યો હતો. ત્યાર પછી ઘટનાસ્થળે અનેક દર્દીઓ ગૂંગળાયેલી હાલતમાં હોવાની લગભગ વિવિધ લોકેશનની 10 એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઓછામાં ઓછા 29 અસરગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન સહિતની સારવાર સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનામાં મૃત્યુ પામેલા લોકો:
આ ઘટના દરમિયાન સુલતાન (ઉં.વ. 30), કાલીબેન (ઉં.વ. 20), સુરેશભાઈ (ઉં.વ. 30), એક અજાણ્યો યુવક (ઉં.વ. 30), બીજો અજાણ્યો યુવક (ઉં.વ. 30), ત્રીજો અજાણ્યો યુવકનું મૃત્યુ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *