મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત-ઓલપાડ રોડ પર 32 કરોડના ખર્ચે નવનિર્મિત 3 લેનના રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

સુરત(surat) મહાનગરપાલિકાના 174 કરોડ અને સુડાના 36 કરોડ મળી કુલ 210 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Chief Minister Bhupendra Patel) જણાવ્યું કે, નાણાંના અભાવે શહેરી વિકાસ અટકે નહી, સુવિધાઓના નિર્માણ ખોરંભે ન પડે તેવી કાર્યશૈલી રાજ્ય સરકારે અપનાવી છે. વિવિધ યોજનાકીય ગ્રાંટ ફાળવવાની હોય કે બજેટમાં જોગવાઈ કરવાની હોય, સરકારે શહેરી વિકાસને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે

સુરત મહાનગરપાલિકાની વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા તેમણે સુરતને સ્માર્ટ અને સસ્ટેનેબલ બનાવવા માટે રાજ્ય સરકાર સુરત મનપા અને સુરતવાસીઓને હંમેશા સહયોગી રહી છે એમ પણ કહ્યું હતું. મુખ્યમંત્રીએ સુરત મનપા દ્વારા સુરત-ઓલપાડ રોડ પર જૂના સરોલી જકાતનાકા, જહાંગીરપુરા પાસે 32 કરોડના ખર્ચે નવનિર્મિત 3 લેનના રેલવે ઓવરબ્રિજને પણ ઈ-માધ્યમથી ખૂલ્લો મૂક્યો હતો.

સુરત-ઓલપાડ રોડ ઉપર જૂના સરોલી જકાતનાકા પાસે, જહાંગીરપુરા ખાતે આયોજિત સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનએ શહેરોને સુવિધા અને સુખાકારીસભર બનાવવાની દિશા આપી છે. રાજ્ય અને દેશમાં એક પણ એવું સપ્તાહ નથી જતું, જેમાં વિકાસકામ થતા ન હોય. આપણા શહેરોનું વેલપ્લાન્ડ ડેવલપમેન્ટ થાય અને વિકાસની હરોળમાં વૈશ્વિક શહેરોની સમકક્ષ ઉભા રહે તેવું સુગ્રથિત આયોજન થઈ રહ્યું હોવાનું ઉમેર્યું હતું.

રાજ્યના વિકાસની સાથે શહેરીકરણ વધવું સ્વાભાવિક છે એ વાતનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ વર્ષના કેન્દ્રીય બજેટમાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્વેસ્ટમેન્ટ પર ભાર મૂકી વડાપ્રધાનશ્રીએ ‘સસ્ટેનેબલ સિટિઝ ઓફ ટુમોરો’નો વિચાર આપ્યો છે, જેને અનુસરીને રાજ્ય સરકારે શહેરી ક્ષેત્રોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે બજેટમાં ૩૭ ટકા વધારો સૂચવ્યો છે.

દેશની વસ્તીના પાંચ ટકા હિસ્સો ધરાવતું ગુજરાત GDPમાં ૯ ટકા યોગદાન આપી વિકાસનું રોલ મોડેલ બન્યું છે, ત્યારે નગરો-શહેરોમાં ઈઝ ઓફ લિવીંગ વધારવા માટેના માટેના વિકાસ કામોને સતત વેગ આપી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

અર્બન ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટને રાજ્યમાં વેગવાન બનાવી ‘વિકસિત શહેરો-નગરોથી ઉન્નત-વિકસિત ગુજરાત’ બનાવવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, શહેરો-મહાનગરોના આયોજનબદ્ધ વિકાસથી સ્માર્ટ સિટી બનાવવા સ્માર્ટ સિટી મિશનમાં રૂ.પ૪૭ કરોડની જોગવાઈ કરી છે. વર્લ્ડકલાસ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા માટે આવનારા પાંચ વર્ષમાં રાજ્યમાં પાંચ લાખ કરોડ ખર્ચવાનું આયોજન હોવાનું પણ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, ક્રિભકો કંપનીની સ્થાપના બાદ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ ૧૯૯૧માં ક્રિભકો રેલવે લાઈન પર બનાવવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૬માં સુરત મહાનગરપાલિકાની હદનું વિસ્તરણ થતાં આ રેલવે ઓવરબ્રિજ સુરત મહાનગરપાલિકાની હદમાં સામેલ થયો હોવાથી પાલિકાએ બ્રિજનું નિર્માણ કરી સ્થાનિક જનતા અને હજારો વાહનચાલકોને આવાગમનમાં મોટી રાહત થઈ છે.

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે, સારોલીનો આ નવનિર્મિત બ્રિજ સુરતનો ૧૧૯મો બ્રિજ છે. બ્રિજ સિટીની આગવી ઓળખ ધરાવતા સુરતની યશકલગીમાં વધુ એક નવું પીંછુ ઉમેરાયું છે. સુરતમાં આવેલા તમામ બ્રિજોનું હેલ્થ કાર્ડ બનાવી પુલોની ક્ષમતા, ગુણવત્તા અને મજબૂતાઈની અવારનવાર ચકાસણી કરવામાં આવે છે એમ જણાવી શહેરમાં જનસુવિધા વધારતા પ્રકલ્પોના વધુમાં વધુ નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પ્રારંભે મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે વર્ચ્યુઅલી જોડાયેલા મુખ્યમંત્રી સહિત મહાનુભાવોને આવકારતા સુરત મનપાની વિકાસ અભિમુખ કામગીરીની રૂપરેખા આપીને સુરત રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી તમામ ક્ષેત્રે બે કદમ આગળ વધીને અપ્રતિમ વિકાસ સાધી ગુજરાતના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બન્યું છે એમ જણાવ્યું હતું.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, વિનોદભાઈ મોરડીયા, પ્રવિણ ઘોઘારી, ડે.મેયર દિનેશ જોધાણી, પ્રાદેશિક નગરપાલિકા નિયામક અરવિંદ વિજયન, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, કોર્પોરેટરો, વિવિધ સમિતિના અધ્યક્ષો સહિત મહાનુભાવો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ 11 પ્રોજેક્ટસનું ખાતમુહૂર્ત કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી ઈ-માધ્યમથી ૧૧ પ્રોજેક્ટસનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં કતારગામમાં રૂ.૭૦.૬૯ કરોડના ખર્ચે અદ્યતન ઓડિટોરિયમ, રૂ.૫.૯૭ કરોડના ખર્ચે ઉધના, ચીકુવાડીમાં ૨૭ લાખ લીટરની પાણીની ટાંકી, રૂ.૩ કરોડના ખર્ચે ઉધનામાં ૧૩.૫૦ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી, ડીંડોલી-ભેસ્તાન-ભેદવાડ ખાતે વાંચનાલય અને પાલિકાના વિવિધ જળ વિતરણ મથક, હેલ્થ સેન્ટર, ઝોન ઓફિસ અને કચેરી બિલ્ડિંગ્ઝ પર બે હજાર કિલોવૉટ ક્ષમતાના રૂફટોપ ગ્રિડ કનેક્ટેડ સોલાર પાવર પ્લાન્ટ, આદર્શ ઢોરડબ્બા સહિતના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

મનપા અને સુડાના 10 પ્રોજેક્ટસનું લોકાર્પણ
જૂના સરોલી જકાતનાકા, જહાંગીરપુરા પાસે ઓલપાડ-સુરતને જોડતા રૂ.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત ૩ લેનના રેલવે ઓવરબ્રિજ ઉપરાંત, ડભોલીમાં રૂ.૬.૫૧ કરોડના ખર્ચે નવનિર્મિત ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ, સ્મીમેરમાં લાઈબ્રેરી બિલ્ડીંગ સ્થિત કોમ્પ્યુટર લેબમાં રૂ.૨૬ લાખના ખર્ચે ૬૫ વિદ્યાર્થીની બેઠક મુજબનું ફર્નિચરવર્ક, ખાતે વિકાસ પ્રકલ્પ જ્યારે રૂ.૨૦ લાખના ખર્ચે ભટારના ગોકુલ નગરમાં હયાત આંગણવાડીમાં માળ વધારાનો ઉપયોગ તેમજ સુડાના નવા રોડ-રસ્તા, રોડ સ્ટ્રેન્થનિંગ, રિસર્ફેસિંગ અને વાઈડનિંગના કામોનું લોકાર્પણ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *