કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે વલસાડમાં રેલી સંબોધતા પીએમ મોદી પર સીધા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રફાલ ડીલમાં પીએમ મોદીએ અનિલ અંબાણીને સીધો 30 હજાર કરોડનો ફાયદો કરાવ્યો છે. રાહુલે જણાવ્યું હતું કે, હવે તો ફ્રાંસમાં પણ ‘ચોકીદાર ચોર હૈ’ના નારા લાગી રહ્યા છે. આ ઉપરાંત, રાહુલે કોંગ્રેસ સત્તા પર આવી તો તમામ ગરીબોને ગેરંટેડ ઈનકમ આપવાની જાહેરાત પણ કરી હતી.
ભાષણની શરૂઆતમાં જ રાહુલ ગાંધીએ “ભારત હમારા હૈ” ના નારા ની સાથે સાથે જાહેર જનતાને “ચોકીદાર ચોર હૈ” એ દિલ્હીમાં ચાલે પણ ગુજરાતમાં “ચોકીદાર ચોર છે” એમ ચાલે, એવું કહીને ચોકીદાર ચોર છે ના નારા લગાવ્યા હતા.
રાહુલે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, જે રીતે મોદી સરકારે અનિલ અંબાણીના ખાતામાં 30 હજાર કરોડ રુપિયા નાખ્યા, તેમ જો કોંગ્રેસ સત્તા પર આવી તો દેશના તમામ ગરીબોના બેંક અકાઉન્ટમાં ‘ગેરંટેડ ઈનકમ યોજના’ હેઠળ સીધા પૈસા ટ્રાન્સફર કરશે.
રફાલ ડીલ પર ફરી એક વાર મોદી સરકારને ઘેરતા રાહુલે કહ્યું હતું કે, મોદી સરકારે એરફોર્સ પાસેથી 30 હજાર કરોડ રુપિયા લઈને અનિલ અંબાણીને આપી દીધા. રાહુલે સવાલ ઉઠાવ્યો હતો કે, 45,000 કરોડ રુપિયાનું દેવું ધરાવતા અનિલ અંબાણીને સરકારે રફાલ સોદામાં કેમ સામેલ કરી?
જીએસટી મામલે પણ સરકાર પર પ્રહારો કરતા રાહુલે જણાવ્યું હતું કે, વેપારીઓ આજ સુધી જીએસટીને સમજી શક્યા નથી. જીએસટીને ફરી એક વાર ગબ્બરસિંહ ટેક્સ ગણાવતા કહ્યું હતું કે જો દિલ્હીમાં કોંગ્રેસની સરકાર આવી તો અમે તેનું સરળીકરણ કરી દઈશું. પોલીસ તેમજ ઈન્કમ ટેક્સની વેપારીઓને કોઈ હેરાનગતિ નહીં રહે.
રાહુલે જણાવ્યું હતું કે, સંસદમાં દોઢ કલાક સુધી ભાષણ આપનાર પીએમ મારી સામે આંખ પણ નહોતા મિલાવી શક્યા. તેમણે કહ્યું હતું કે, ચોરી માત્ર રફાલ ડીલમાં જ નથી થઈ. દેશના દરેકે દરેક ગામનો ખેડૂત કહે છે કે તેનું દેવું માફ થાય, પરંતુ અરુણ જેટલી કહે છે કે ખેડૂતોનું દેવું માફ કરવું અમારી નીતિ નથી. સરકારના ભારત માલા સહિતના મોટા પ્રોજેક્ટ સામે પોતાને કોઈ વાંધો ન હોવાનું કહેતા રાહુલે જણાવ્યું હતું કે, તેના માટે ખેડૂતોની, આદિવાસીઓની જમીન લઈ લેવાય અને તેના પર કોઈ કામ ન થાય તેની સામે તેમને વાંધો છે.