નોકરી મેળવવાના નામે ફોન આવે તો ચેતીજાજો! સુરતમાં ઝડપાયું બોગસ કોલ સેન્ટર- 6 મહિલા સહિત 11 લોકોની ધરપકડ

Published on Trishul News at 12:47 PM, Thu, 26 October 2023

Last modified on October 26th, 2023 at 12:51 PM

Bogus call center caught in Surat, 11 people arrested: રાજ્યમાં અવાર-નવાર બોગસ કોલ સેન્ટર ઝડપાવાની ઘટના સામે આવતી હોય છે. પોલીસ આવા ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરો પર દરોડા પાડીને ઝડપી પણ પડતી હોય છે. અત્યારે હાલમાં સુરતમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. સુરતના સિંગણપોર કોઝવે રોડ પર કંથરીયા હનુમાનજી મંદિર પાસે સિલ્વર સ્ટોન આર્કેટના પહેલા માળે આવેલ ઓફિસમાં પોલીસે દરોડો પાડી કોલ સેન્ટર ઝડપી પાડતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. દરોડા પાડીને પોલીસે કોલ સેન્ટરના સંચાલક સહિત 11 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતના સિંગણપોર કોઝવે રોડ પર કંથરીયા હનુમાનજી મંદિર પાસે સિલ્વર સ્ટોન આર્કેટના પહેલા માળે આવેલ ઓફિસમાં બોગસ કોલ સેન્ટર ઝડપાતા ચકચાર મચી છે. પોલીસે બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ કરી  મહિલા સહિત 11 લોકોની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, કોલસેન્ટરમાં આરોપીઓ નોકરી વાચ્છુકોને કોલ કરી ડેટા એન્ટ્રીના નામે અલગ અલગ સ્કીમો આપી ઘરબેઠાં મહિને 5થી 8 હજાર રૂપિયા કમાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવતી હતી.

આરોપીઓ ડેટાએન્ટ્રીનું કામ આપ્યા બાદ 90 ટકા થી ઉપર કામ થાય તો કમિશન આપવાની વાત કરી કોન્ટ્રાકટ કરતા હતા અને અને 90 ટકાથી ઓછુ કામ થાય તો કોન્ટ્રાકટ ભંગ બદલ પેનલ્ટી આપવાની વાત કરી ઉઘરાણી કરતા હતા. આ રીતને કોન્ટ્રાકટ કર્યા બાદ ટોળકી ગ્રાહકોના ડેટા એન્ટ્રીનું કામ ગ્રાહકોનું 80 થી 85 ટકા થાય તેવી ગોઠવણ કરતા હતા. ત્યારબાદ ગ્રાહકોને કોન્ટ્રાક ભંગ અંગે પોલીસ કે કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી પેનેલ્ટી પેટે 6,500ની વસુલાત કરતા હતા.

હાલ પોલીસે કોલસેન્ટર ચલાવતી ટોળકીની ધરપકડ કરી વકીલ તરીકે વાત કરનાર નીશા નામની યુવતીને વોન્ટેડ બતાવી છે. જ્યારે સેન્ટરના સંચાલક શકીલ વલી મંહમદ સહિત મહિલાઓ અને પુરુષ મળી 11 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. કોલ સેન્ટર પરથી પોલીસે લેપટોપ, મોબાઈલ, રોકડા રૂપિયા, 3 ચેકબુક સહિત 2.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓના મોબાઈલ નંબરના આધારે સીડીઆર મેળવી ભોગ બનનારાઓનો સંપર્ક કરી ફરિયાદ આપવા અપીલ કરવામાં આવશે.

સુરત ડીસીપી પિનાકીન પરમારે વધુમાં જણાવ્યું હતું કે, જે નોકરી વાચ્છુકોના ડેટા કલેક્ટ કરી quikr માર્કેટ પ્લેસ નામની ઓનલાઇન વેબસાઈટ દ્વારા આવી ચિટિંગ કરતી ટોળકીને ડેટા આપવામાં આવે છે તે કંપની સામે પણ પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. જેની સામે પણ આગામી દિવસોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ચોક બજાર પોલીસ દ્વારા ગેરકાયદેસર કોલ સેન્ટરનો ભોગ બનેલા લોકોનો સંપર્ક કરી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે લોકો આ ઠગટોળકીનો ભોગ બન્યા છે તે તમામનો સંપર્ક સાધવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે.

Be the first to comment on "નોકરી મેળવવાના નામે ફોન આવે તો ચેતીજાજો! સુરતમાં ઝડપાયું બોગસ કોલ સેન્ટર- 6 મહિલા સહિત 11 લોકોની ધરપકડ"

Leave a comment

Your email address will not be published.


*