Jeevandeep Organ Donation Resolution taken on Navratri: અંગદાન ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા માં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે શહેરમાં ઠેર ઠેર પાર્ટી પ્લોટના ગરબાઓમાં કે શેરી ગરબામાં ખેલૈયાઓને અંગદાનનું મહત્વ સમજાવવા સાથે અંગદાનના શપથ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા સુરતમાં આ સંસ્થા દ્વારા માત્ર પાંચ દિવસના બ્રેઈન ડેડ બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. ત્યારે નવરાત્રિમાં મોટા વરાછા ખાતે આયોજીત ખોડલધામ ગરબા મહોત્સવમાં અંગદાન શપથ કાર્યક્રમમાં આ બાળકના પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પી.એમ.ગોંડલિયા અને મેનેજીંગ ટ્રસ્ટી વિપુલભાઈ તળાવિયા દ્વારા નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેલા તમામ ખેલૈયાઓ તેમજ લોકોને અંગદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
ખોડલધામ કન્વીનર ધાર્મિકભાઈ માલવિયા
અંગદાન જાગૃતિ માટે વિશેષ થીમ પણ રાખવામાં આવી હતી અને લોકોને સરળતાથી અંગદાનનું મહત્વ સમજાય તે માટે વખતો વખત જાહેર મંચ ઉપરથી એનાઉન્સમેન્ટ કરવામાં આવતું હતું. નવરાત્રિ દરમ્યાન પી.પી. સવાણી ગ્રુપ દ્વારા આયોજિત અંકલેશ્વરમાં ગાર્ડન સિટી નવરાત્રિમાં પણ અંગદાન શપથ કાર્યક્રમ થયો હતો. જેમાં પી.પી.સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી તેમજ સામાજિક અગ્રણીઓની હાજરીમાં જીવનદીપ ટીમના વલ્લભભાઈ ચોથાણીએ ઉપસ્થિત હજારો લોકોને અંગદાનના શપથ લેવડાવ્યા હતા. ખેલૈયાઓ પણ આ અવેરનેસ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા.
જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી વિપુલ તળાવિયા ના જણાવ્યા અનુસાર ફાઉન્ડેશનની કાર્ય સીમા હવે માત્ર સુરત પૂરતી સીમિત નથી રહી. નવરાત્રિમાં સુરત બહાર અન્ય સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ અંગદાન શપથ વિધિના ઘણા બધા કાર્યક્રમો થયા છે. વધુમાં વધુ લોકો અંગદાન માટે જાગૃત થાય અને જરૂરતમંદોને એનો લાભ મળે એકમાત્ર એ હેતુથી સંસ્થા દ્વારા સતત જાગૃતિ અને શપથ કાર્યક્રમો થઇ રહ્યા છે. અંકલેશ્વરમાં યોજાયેલા શપથ કાર્યક્રમમાં સ્થાનિક અને સુરતથી પણ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શપથ લેવડાવવાના ફાયદા વિશે વિપુલભાઈ કહે છે, કે વ્યક્તિ શપથ લે છે એ અંગદાન વિશે જાણશે અને સમજશે એટલુ જ નહિ એ એની આસપાસના મિત્ર કે પરિવારમાં પણ આ વાતનો ફેલાવો કરશે. જેનાથી લાભ સમાજને થવાનો છે. શપથ એક વ્યક્તિ લેશે પણ એ શપથ વિચારનો દીવડો બનીને ધીરેધીરે વૈશ્વિક રૂપે પ્રગટશે. અંગદાન શપથ નવા અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરશે. શપથ એ ખેતરમાં દાણા નાખવાની પ્રક્રિયા જેવુ છે. બાદમાં પાક મળે છે.
સમગ્ર દેશમાં ઓર્ગન ડોનેશનમાં વેઇટીંગ ઝીરો થાય તે માટે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે. સાથો સાથ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકો અંગદાન થકી ચાર વ્યક્તિને નવ જીવન આપી શકે છે એ વાત વધુમાં વધુ લોકોને સમજાવવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube