કોંગ્રેસે નિલેશ કુંભાણીના ટેકેદાર અને સુરત કલેકટર સામે કરી પોલીસ કમિશનરને ફરિયાદ

Nilesh Kumbhani: આવતીકાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થશે. ત્યારે મતદાન પહેલા જ ભાજપે સુરતની બેઠક જીતી લીધી છે. ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું(Nilesh Kumbhani) ફોર્મ રદ કર્યુ હતુ. તે બાદ આજે કોંગ્રેસના લિગગ સેલે નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવાની અરજી સુરત પોલીસ કમિશ્નરે કરી છે. આ સાથે જ નિલેશ કુંભાણીના ટેકેદારો અને સુરત કલેકટર સામે પણ કાર્યવાહી કરવાની માગ કરવામા આવી છે. નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો દ્વારા ખોટી સહી અને રજૂઆતના કારણે ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. ખોટી એફિડેવિટ કરાઈ હતી જે સંદર્ભે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે.

નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવાના પ્રકરણમાં કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદ
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નાટ્યાત્મક રીતે ઉમેદવારી પત્રક રદ થવાના પ્રકરણમાં ચૂંટણીના એક દિવસ પહેલાં કોંગ્રેસે સુરતના ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. સૌરભ પારઘી તેમજ કુંભાણીના ત્રણ ટેકેદારો રમેશ પોલરા, જગદીશ સાવલિયા અને ધ્રુવિન ધામેલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે. આ તમામ વિરુદ્ધ આઈપીસીની કલમ 463, 464, 465, 467, 468, 469 તથા 471, 171 (જી) હેઠળ ફરિયાદ નોંધાવી છે.ચૂંટણીના એક દિવસ પહેલાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવાના પ્રકરણમાં કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવતા ગુજરાતના રાજકારણમાં ઉત્તેજના વ્યાપી ગઈ છે.

મતદાન અગાઉ કુંભાણીને ધમકી
દરમિયાન ફોર્મ રદ્દ થયું ત્યાર બાદથી નાટ્યાત્મક રીતે ગાયબ થયેલા નિલેશ કુંભાણી આવતીકાલે તા. 7 મેના રોજ મતદાન કરવા બારડોલી લોકસભા બેઠક પર આવે તેવી ચર્ચા ઉઠી છે. તેઓ બારડોલી લોકસભા મત વિસ્તાર ના મતદાર છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા કલ્પેશ બારોટે ચીમકી ઉચ્ચારી છે કે આવતીકાલે જો નિલેશ કુંભાણી વોટિંગ કરવા જશે તો પ્રજા તેને સારું એવું વળતર આપશે. લોકો પાસેથી મતદાનનો હક્ક છીનવી લેનારાને કોઈ હક્ક નથી કે તે મત આપે.

પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો
કુંભાણીને સસ્પેન્ડ કરવા કોંગ્રેસ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમા કહેવામાં આવ્યું હતુ કે, કોંગ્રેસ પક્ષે નિલેશ કુંભાણીને સંસદની ટિકિટ આપી હતી. સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો કે જેઓ સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી પક્ષની હતી.આ સાથે એમ પણ જણાવવામાં આવ્યુ કે, તમારા ફોર્મને રદ્દ થવાની બાબતમાં તમારી સંપૂર્ણપણે નિષ્કાળજી અથવા ભારતીય જનતા પાર્ટી સાથે તમારું મેળાપીપણું હોવાની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ આવી હતી.

આમ છતાં, કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તમે આવીને પૂરી સ્પષ્ટતા કરી શકો અને તમારો પક્ષ રજૂ કરી શકો તે માટે શિસ્ત સમિતિએ તમને સમય આપ્યો હતો. તમો નાટ્યાત્મક રીતે ગાયબ છો અને તમે કોઈપણ જાતનો તમારા પક્ષે ખુલાસો કરેલ નથી. જેથી પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.

ચૂંટણીની તૈયારીને આખરી ઓપ અપાયો, બંદોબસ્ત ગોઠવાયો
નવસારી અને બારડોલી બેઠક માતે આવતીકાલે મતદાન થવાનું છે. તમામ મતદાન મથકો પર સાહિત્ય પહોંચાડી દેવાયું છે. ઈવીએમ, વીવીપેટ સહિતનું સાહિત્ય રવાના કરાયું છે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પેરામિલિટરી અને એસઆરપીની મદદ લેવાઈ છે.