ચૂંટણી પહેલાં શાંત પડેલાં કોરોનાએ મતદાન પૂર્ણ થતાં જ માથું ઉચક્યું, રાજ્યમાં વધી રહ્યા છે કેસો

હાલમાં દેશમાં કોરોના વાઈરસે ફરીવાર જોર પકડ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે કોરોનાનાં (Covid 19) કેસોમાં સતત ઘટાડો નોંધાયો હતો. પણ…

હાલમાં દેશમાં કોરોના વાઈરસે ફરીવાર જોર પકડ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે કોરોનાનાં (Covid 19) કેસોમાં સતત ઘટાડો નોંધાયો હતો. પણ હવે છ મહાનગરપાલિકા માટે ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ કોરોનાએ ફરીથી (Gujarat Corona Cases) માથું ઉચક્યું છે. અને રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે. કાબુમાં આવેલાં કોરોનાના કેસમાં હવે ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં તો ફરીથી કોરોના ટેસ્ટિંગ માટેના બૂથ શરૂ કરી દેવામાં આવ્યા છે. તો રાજકોટ અને સુરતમાં પણ કોરોનાનાં કેસોમાં વધારો નોંધાયો છે.

અમદાવાદમાં ટેસ્ટિંગ બૂથ ફરીથી શરૂ કરવામાં આવ્યા
ચૂંટણીના માહોલમાં અમદાવાદમાં ઠેર ઠેર સભાઓ અને રેલીઓમાં ભારે ભીડ જોવા મળતી હતી. તો પાર્ટીઓનાં કાર્યાલય ઉપર પણ લોકોની ભારે ભીડ એકઠી થતી હતી. તેવામાં રાજ્યમાં ફરી એકવાર કોરોનાનાં કેસોમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં પણ કોરોનાને લઈ બંધ કરી દેવામાં આવેલાં ટેસ્ટિંગ બૂથ ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનની ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ વધતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું
આ ઉપરાંત ચૂંટણી બાદ સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. સુરતમાં 47 જેટલાં નવા કેસ નોંધાયા છે. હાલ સુરતમાં કોરોનાનાં 363 જેટલાં એક્ટિવ કેસો છે. શહેરમાં ફરીથી કોરોનાનાં કેસો વધતાં સુરત મનપા એક્શન મોડમાં આવી ગઈ છે. અને આગામી સમયમાં સંક્રમણને અટકાવવા માટે કડક પગલાં લેવાઈ શકે તેવી પણ સંભાવના છે.

હાલમાં 91 જિલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, જેમાં 34 જિલ્લા મહારાષ્ટ્રના જ છે. આ ઉપરાંત કર્ણાટકના 16, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, ગુજરાત અને બિહારના 4-4, જ્યારે કેરળના બે જિલ્લા સામેલ છે. અહીં છેલ્લા અમુક દિવસોથી દરરોજ સંક્રમિતોની સંખ્યા સાજા થનારા દર્દીઓ કરતાં વધુ જોવા મળી છે.

એક દિવસમાં 4,412 એક્ટિવ કેસ વધ્યા
રવિવારે દેશમાં 13,979 નવા દર્દી નોંધાયા છે. 9,476 સાજા થયા, જ્યારે 79 લોકોનાં મોત થઈ ચુક્યા છે. 4,412 એક્ટિવ કેસ વધ્યા, જે 87 દિવસમાં સૌથી વધુ છે. આ પહેલાં 25 નવેમ્બરે 7,234 એક્ટિવ કેસ વધ્યા હતા. એક્ટિવ કેસ એટલે કે, જે દર્દીઓની સારવાર ચાલી રહી છે.

વેક્સિનેશનમાં તેજી લાવવાનો આદેશ
કેન્દ્ર દ્વારા તમામ રાજ્યોને પત્ર લખીને વેક્સિનેશનમાં તેજી લાવવા માટે જણાવવામાં આવ્યું છે. હાલ ઘણાં રાજ્યોમાં સપ્તાહમાં બે દિવસ જ વેક્સિનેશન થઈ રહ્યું છે. હાલ ફ્રન્ટલાઈન અને હેલ્થકેરવર્કર્સને જ વેક્સિન લગાવવામાં આવી રહી છે. માર્ચથી 50 વર્ષથી વધુ ઉંમરના તમામ અને 50થી ઓછી ઉંમરના એવા નાગરિકોને પણ વેક્સિન લગાવવામાં આવશે જેમને અન્ય બીમારીઓ પણ છે. કેન્દ્ર દ્વારા આના માટે પણ તૈયાર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં કોરોના ઝડપથી વધતા કેસોએ રાજ્ય સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરએ આજે એટલે કે, સોમવારે રાજ્યમાં ભીડવાળા તમામ રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે, સ્થિતિ નહીં સંભાળાય તો રાજ્યમાં ફરી લોકડાઉન લાગી શકે છે.

ઉદ્ધવ ઠાકરે રવિવારે લોકોને 8 દિવસનું અલ્ટિમેટમ આપતાં કહ્યું હતું કે જે લોકો લોકડાઉન નથી ઈચ્છતા તેઓ માસ્ક જરૂર પહેરે. પ્રાઈવેટ કંપનીને પણ વર્કફોર્મ હોમ પોલિસી અપનાવવા માટે કહેવામાં આવ્યું છે. જેથી ભીડથી બચી શકાય. આગામી 8 થી 15 દિવસમાં અમને ખબર પડી જશે કે આ કોરોનાની નવી લહેર છે કે નહીં?

પુણે જિલ્લા પ્રશાસને પણ નાઈટ કર્ફ્યૂ લગાવી દીધો છે. અહીં રાતે 11થી સવારે 6 વાગ્યા સુધી લોકોના ઘરેથી નીકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવો છે. માત્ર ઈમર્જન્સીમાં જ લોકો બહાર નીકળી શકશે. શાળા-કોલેજ 28 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવાઈ છે.

મહારાષ્ટ્રના અમરાવતી મંડળના 5 અન્ય જિલ્લા અમરાવતી, અકોલા, વામિશ, બુલ્ઢાડા અને યવતમાલમાં પણ ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દેવાયા છે. અહીં જરૂરી સામાનોની દુકાનોને બાદ કરતાં બાકીની બધી બંધ દુકાનોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શાળા-કોલેજ, કોચિંગ સંસ્થા પણ બંધ રહેશે. લોકોને સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી જ સામાન ખરીદવાની છૂટ મળશે.

વધતા કેસને કારણે ભારત એકવાર ફરી દુનિયાના એવા 15 દેશમાં સામેલ થઈ ગયો છે. જ્યાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ જોવા મળે છે. એટલે કે, એવા દર્દી જેમની સારવાર ચાલી રહી છે. બાકી કાં તો સાજા થઈ ચૂક્યા છે કે પછી તેમનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. ભારત આ યાદીમાં 15મા નંબર પર આવી ગયો છે. 30 જાન્યુઆરીએ પોર્ટુગલ, ઈન્ડોનેશિયા અને આયર્લેન્ડને પાછળ મુકતા 17મા નંબર પર પહોંચી ગયો હતો.

આખા દેશમાં દરરોજ થતા ટેસ્ટિંગમાં છેલ્લા એક મહિનામાં 5 લાખનો ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર જ્યાં દરરોજ 11 લાખ લોકોની તપાસ થતી હતી, ત્યાં હવે સરેરાશ 6 લાખ લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે. રાજ્યોમાં કોરોના કેસ વધવાનું એક મોટું કારણ ટેસ્ટિંગની સંખ્યામાં ઘટાડો કરવાનું પણ છે. હવે ફરીથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ તમામ 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને ચિઠ્ઠી લખીને ટેસ્ટિંગ વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *