અમદાવાદ શહેરમાં પાન-મસાલા અને તમાકુ-માવાની દુકાનો પર કોરોનાને કારણે બંધ થવાને આરે છે. અમદાવાદના મ્યુનિસીપલ કમિશ્નર વિજય નહેરા દ્રારા જાહેરાત કરવામાં આવી છે કે 31 માર્ચ સુધી પાન અને માવાની દુકાનો બંધ કરવામાં આવશે. મહત્વનું છે કે પાન અને મસાલા ખાઈને જ્યાં ત્યાં થૂંકનારા લોકોના કારણે જ અસર ફેલાવાની વધારે શક્યતા છે. ઉપરથી પાન અને મસાલાની દુકાનોએ જ સૌથી વધારે લોકોની ભીડ હોય છે.
આ બધા કારણોને ધ્યાનમાં રાખી અને જાહેર જનતાની સુરક્ષા માટે આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. સાથે-સાથે એક ખાસ મોટી વાત તો એ પણ છે કે ગુજરાતમાં માવાપ્રેમીઓની સંખ્યા વધારે છે. પાન માવા કે મસાલા પર આ વસ્તુ ખાવાથી કેન્સર થાય છે તેવી જાહેર ખબર છાપવા છતાં લોકો હોશેહોશે ખાય છે. છતાં કોઈ છોડવા તૈયાર થતું ન હતું, પણ આજે કોરોના વાયરસે પ્રથમ વાર ગુજરાતની માવાપ્રેમી જનતાને માવા છોડવાનો એક વિકલ્પ આપ્યો છે. રખે ને 15 દિવસ સુધી કોઈ ધુમ્રુપાનની એક પણ વસ્તુને હાથ ન અડકાવે તો આ લત્ત છૂટી પણ જશે. જે ફાયદામાં જ રહેશે.
કોરોના વાયરસના કારણે અમદાવાદ કોર્પોરેશન દ્વારા જાહેરમા થુંકનારને 500 રૂપિયાનો દંડ ફટકાવામાં આવી રહ્યો છે. જોકે, આ દંડની રકમાં વધારો કરવામાં આવ્યો છે. સોમવારથી જાહેર રસ્તા પર થુંકનારને હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં 20 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો. જે જાહેરમાં થુંકશે તેની વિરૂદ્ધ કડકાઈ સાથે પગલાં ભરવામાં આવશે.