કેતન ઇમાનદારના રાજીનામા પર CR પાટીલનું મોટું નિવેદન- ગાંધીનગરમાં બેઠક શરુ…

Ketan Inamdar Resign: લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરા ભાજપમાં આંતરિક નારાજગીએ પાર્ટીની ચિંતા વધારી દીધી છે. મોડી રાત્રે અચાનક સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના(Ketan Inamdar Resign) રાજીનામાં બાદ હવે તેમના સમર્થકોએ પણ પાર્ટીમાંથી રાજીનામાં ધરી દીધા છે. તેમના સમર્થનમાં હવે સાવલી તાલુકાના 15 જેટલા સરપંચોએ પણ રાજીનામાં આપ્યા છે. સાથે સાવલી તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનના પણ રાજીનામા પડ્યા છે. તો આ મામલે સી.આર પાટીલની પણ પ્રતિક્રિયા સામે આવી છે.

‘પાર્ટીમાં કોને લેવા ના લેવા એ પાર્ટી નક્કી કરશે’-સી.આર.પાટીલ
ગાંધીનગરમાં કેતન ઈનામદારના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા સી.આર પાટીલે કહ્યું કે, માણસ છે, એટલે નારાજગી તો થાય. ભાજપમાં ભરતીમેળાથી કેતના ઈનામદારની નારાજગીના સવાલ પર પાટીલે કહ્યું કે, પાર્ટીમાં કોને લેવા ના લેવા એ પાર્ટી નક્કી કરશે. કોઈ ધારાસભ્ય નક્કી ના કરે. પાર્ટીના નીતિ નિયમ મુજબ કામ થાય.

સી.આર.પાટીલ સાથે બંધ બારણે બેઠક યોજાઈ
નારાજ કેતન ઈનામદાર સી.આર. પાટીલના બંગ્લે પહોંચ્યા છે. રાજીનામા અંગે અડગ છું એવું કેતન ઈનામદાર અત્યારે કહી રહ્યા છે, સી.આર.પાટીલ સાથે બંધ બારણે બેઠક યોજાશે. વડોદરાના પ્રભારી રાજેશ પાઠકે જણાવ્યું કે, મુળ મુદ્દો કોઈ નથી, પણ જે કઈ મુદ્દા હશે એ પાટીલ સાહેબ જોડે ચર્ચા કરીને નિર્ણય આવશે.

વિરોધીઓને ભાજપમાં મોટા કરાતા હોવાનો ઈનામદારનો આરોપ
ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઇ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્યપદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે, પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી ધારાસભ્યપદ પરથી રાજીનામું આપ્યું એવું કહી શકાય નહીં. હાલ અધ્યક્ષને રૂબરૂ રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂરી કરી નથી, જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં. કેતન ઇનામદારના વિરોધીઓને ભાજપમાં મોટા કરાતા હોવાનો કેતન ઈનામદારનો આરોપ છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે હું રંજનબેન ભટ્ટને સપોર્ટ કરું છું.

આ વખતે રાજીનામું કન્ટિન્યુ રાખવાની ઇચ્છા છેઃ કેતન ઇનામદાર
આ અંગે ગાંધીનગર જવા નીકળતા પહેલા કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, મેં અગાઉ 2020માં પણ રાજીનામું આપ્યું હતું અને ફરી 2024માં રાજીનામું આપ્યું છે. હું આ વસ્તુ માટે મારા મોવડી મંડળને મનાવી લઈશ. આ વખતે મારું રાજીનામું કન્ટિન્યુ રાખવાની ઇચ્છા છે. આજે હું પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીને મળવાનો છું. આજે તેમની સાથે જે પણ ચર્ચા થશે તે ખુલ્લા દિલથી ચર્ચા થશે. પાર્ટીને હું વિનંતિ કરીશ કે મારું માન રાખીને મારું રાજીનામું સ્વીકારી લે. હું પાર્ટીમાં છું અને રહીશ.

સાવલી તાલુકાના 15 જેટલા સરપંચોએ રાજીનામાં આપ્યા
કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામું ઇમેલ કર્યા બાદ તેમના સમર્થનમાં સાવલી તાલુકાના 15 જેટલા સરપંચોએ રાજીનામાં આપી દીધા છે.તેમજ તાલુકા પંચાયતના સભ્યો,યુવા મોરચો,સહિત અગ્રણી હોદ્દેદારો પદ પરથી રાજીનામાં પડી રહ્યા છે. સાવલી તાલુકા પંચાયતન પ્રમુખ ગીતાબેન સોલંકી, ઉપપ્રમુખ વાલજીભાઈ રબારી અને કારોબારી ચેરમેન અર્જુન સિંહ પરમારે રાજીનામા આપી દીધા છે. કાર્યકરો કહી રહ્યા છે કે,5000થી વધુ કાર્યકરો રાજીનામા ધરી દેશે. સાવલી ભાજપ ખાલી થઈ જશે.કેતન ઈનામદારના રાજીનામાની વાતની જાણ થતા સાવલી સ્થિત નવા નિવાસસ્થાને તેમના સમર્થકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતા.

કેતન ઇનામદાર ભાજપમાં ભરતી મેળાથી નારાજ
કેતન ઇનામદાર ભાજપમાં થઈ રહેલા ભરતી મેળાથી નારાજ છે. તેમનો દાવો છે કે કાર્યકરો પણ નારાજ છે. બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાં જોડાયા છે, જેઓ કેતન ઇનામદાર સામે વિધાનસભા લડ્યા હતા અને જેમાં તેઓ હાર્યા હતા. હવે થોડા દિવસ પહેલા કુલદીપસિંહ ભાજપમાં જોડાયા અને હવે ભાજપે કુલદીપસિંહને ડભોઈ વિધાનસભાના પ્રભારી બનાવ્યા છે. જેના કારણે વડોદરા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે.