ગુજરાત(Gujarat): બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લો પ્રેશરને કારણે ફરીથી વાવાઝોડાનું સંકટ માથા પર મંડરાઈ રહ્યું છે. હવમાન વિભાગની આગાહી અનુસાર આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પર ચક્રવાતી તોફાન આવી રહ્યું છે. બંગાળની ખાડીમાં ફરી એક તોફાન સર્જાઈ રહ્યુ છે, જે 4 ડિસેમ્બર એટલે કે શનિવાર સુધીમાં આંધ્રપ્રદેશ, ઓરિસ્સાના દરિયા કિનારે પહોંચી જશે. આ તોફાનને જવાદ(JAWAD) વાવાઝોડુ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, થોડા સમય બાદ આ ચક્રવાતી તોફાનનું રૂપ લઈ લેશે. જેની અસર ગુજરાતમાં પણ થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
જવાદ વાવાઝોડા(Cyclone jawad)ના અસરના ભાગરૂપે દરિયાકાંઠાના માછીમારોને એલર્ટ કરી દેવાયા છે. હાલમાં તેઓને સુરક્ષિત કાંઠા પર પરત ફરે તેવું કહેવામાં આવી રહ્યું છે. બંગાળની ખાડીમાં હલચલ થવાને કારણે હવામાન વિભાગે આજથી ચાર દિવસ સુધી ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ મુંબઈમાં ભારે વરસાદને લઈને ચેતવણી આપી દીધી છે.
શનિવારના રોજ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં આવી શકે છે તોફાન:
હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે, થાઈલેન્ડ અને તેના આસપાસના વિસ્તારોમાં બુધવારના રોજ સવારે લો પ્રેશર સક્રિય થશે. આ લો પ્રેશર આગામી 12 કલાકમાં અંદમાન સાગર સુધી પહોંચવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. તેના બાદ તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધતા 2 ડિસેમ્બરના રોજ દક્ષિણ-પૂર્વ તથા નજીકના ખાડીના મધ્ય ભાગમાં પહોચે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યાર બાદ 4 ડિસેમ્બરને શનિવારની સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દબાણને કારણે ઓરિસ્સાના દરિયા કાંઠે ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં ખાબકી શકે છે વરસાદ:
આ વાવાઝોડાની અસરને કારણે 1 ડિસેમ્બરના રોજ ગુજરાત, ઉત્તરીય મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરી કોંકણમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. તો 2 ડિસેમ્બરના રોજ ગુજરાત અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ પડવાની પુરેપુરી સંભાવનાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.