હનુમાન ચાલીસા યુવા કથામાં બીજા દિવસે- હરિપ્રકાશદાસજી સ્વામીએ સમજાવ્યું કે કોણ નિરાશ થતું નથી અને કોને આશીર્વાદ આપોઆપ મળે છે

Shree Hanuman Charitra katha: દુબઈમાં યોજાયેલી શ્રીહનુમાન ચાલીસા યુવા કથામાં બીજા દિવસે હરિપ્રકાશદાસજી સ્વામીએ સમજાવ્યું છે કે,નિરાશ કોણ થતું નથી, કોને આશીર્વાદ આપોઆપ મળી જાય છે. તેમણે હનુમાનની નિસ્વાર્થ સેવા અને અથાગ સાહસની (Shree Hanuman Charitra katha) ગાથા પણ વર્ણવી હતી. વિશ્વમાં સૌથી વધારે કોઈની પૂજા થતી હશે તો તે હનુમાન એકલા હશે.

હરિપ્રકાશદાસજી સ્વામીએ કથાની શરૂઆત કરતા કહ્યું હતું કે “ઉન લોગો કો ફરિસ્તો કે સલામ આતા હૈ જો દુસરો કે મુસિબતો મે કામ આતે હૈ”. જે બીજાની મુસિબતમાં કામ આવે છે તેને ભગવાન પણ સલામ કરે છે. પોતાના માટે તો દરેક વ્યક્તિ દોડે. પક્ષી પણ પોતાના માટે ઉડે છે.

કિડી પણ પોતાના માટે દર બનાવે છે. પરંતુ એક મારા હનુમાન જ એવા છે કે જે એક કામ પણ પોતાના માટે નથી કરતા. તે શ્વાસ પણ પોતાના માટે નથી લેતા તેના દરેક શ્વાસ ભગવાન રામ માટે છે. તેમનું દરેક કામ બીજા માટે છે એટલે આરામથી બેસે છે. જે રામમાં વ્યસ્ત તે પોતાનામાં મસ્ત હોય છે. જે જગતમાં વ્યસ્ત તે ત્રસ્ત હોય છે. આપણે સેમાં રહેવું છે તે નક્કી કરવાનું.

સત્સંગમાં કંઈક સાંભળવાનું થાય એટલે બહુ ઉપાધી થાય પરંતુ ઘરવાળી દરરોજ કેટલુંય સંભળાવે પણ જરાય ઉપાધી થાય? કોઈને કંઈ વાંધો આવે. જે ભગવાનના ચરણમાં આવે છે તે પોતાના જીવનમાં આનંદમાં જ રહે છે. પ્રવાસમાં ભક્તિ ભળે તો તેને યાત્રા કહેવાય. ભૂખમાં ભક્તિ મળી જાય તો તેને ઉપવાસ કહેવાય છે. પાણીમાં ભક્તિ ભળી જાય તો તેને ચરણામૃત કહેવાય છે. ભોગમાં ભક્તિ મળી જાય તો તેને પ્રસાદ કહેવાય છે. ઘરમાં ભક્તિ મળી જાય તો ઘર મંદિર બની જાય છે. જીવનમાં ભક્તિ ભળી જાય તો તેને માનવ કહેવાય છે. બંદરમાં ભક્તિ મળી જાય તો તેને હનુમાન કહેવાય છે. ભક્તિની તાકાત જ અલગ છે. નરસિંહ મહેતાએ કહ્યું હતું કે દુનિયામાં શ્રેષ્ટ હોય તે ભક્તિ છે. ભગવાન પણ જેનું અનુસરણ કરે છે તે એક ભક્ત છે.

જેમને ભગવાનનો ભરોસો હોય તેઓ નિરાશ થતા નથી. આ દુનિયામાં લોકોને ભાવની જ કિંમત હોય છે. જ્યારે ભાવ ઘટી જાય ત્યારે વ્યક્તિ પાયમાલ થઈ જાય અને જ્યારે ભાવ વધી જાય ત્યારે તે માલામાલ થઈ જાય છે. સત્સંગ અને ભક્તિ ભાવ પ્રધાન છે. હનુમાન છે તે ભાવ પ્રધાન, ભક્તિ પ્રધાન અને સેવા પ્રધાન છે. એક સાથે 50 જણાને પાડી દે તેવો પહેલવાન હોય તે ક્યારેય ધ્યાન કરવા ન બેસે. આ હનુમાનમાં વિશેષતા છે તે પર્વત પર બેઠા બેઠા અખંડ ધ્યાન કરે છે. હનુમાનજીએ ક્યારે કોઈની પાસે કઈ માગ્યું નથી હંમેશા બધાને આપ્યું છે. તેણે પોતાના બળનો ઉપયોગ પરોપકાર માટે કર્યો છે. આપણે બધાએ વિચારવાનું છે આપણી શક્તિ, આપણું સામર્થ, આપણી બુદ્ધી, આપણી આવડત જ્યારે સમાજ, સત્સંગ અને લોક કલ્યાણના કામમાં વાપરશું એટલે આશીર્વાદ માગવા નહીં પડે આપોઆપ મળી જશે.

કોઈથી ન થાય તેવા કામ હનુમાન કરે છે. હનુમાનજી એકવાર રામ બોલે એટલે સાડા ત્રણ કરોડ રૂવાટેથી રામ નિકળે, એવી દાદાની ભક્તિ છે. આખી દુનિયા જ્યારે ચિંતા કરે ત્યારે હનુમાન ચિંતન કરતા હોય છે.

દુબઈમાં શ્રી હનુમાન ચરિત્ર કથા તારીખ 26થી 28 એપ્રિલના રોજ યોજાઈ રહી છે. જેનો સમય સવારના 8.30થી 11.30નો હશે. આ કથાનું સ્થળ હોલિડે ઈન્ટરનેશનલ હોટેલ-એમ્બેસી ડિસ્ટ્રિક્ટ બુર્જમાન મેટ્રો સ્ટેશન એક્ઝઇટ- 4, ખાલેદ બિન અલ વાલીદ બિલ્ડિંગ, 20મી સેન્ટ, બુર દુબઈ, અલ હમરિયા, દુબઈ છે.