કુંભમેળા દરમિયાન મીડિયા ની હાઈલાઈટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સફાઇ કર્મીઓ કે જેઓ દલિત સમાજમાંથી આવતા હતા. તેમના પગ ધોઈને સમગ્ર દેશનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું અને એક સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો હતો કે હવે અસ્પૃશ્યતા નાબૂદ થઈ ગઈ છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જ મતવિસ્તાર વારાણસી મા આવેલી બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયમાં અનુસૂચિત જાતિ અને જન જાતિ એટલે કે આદિવાસી વિદ્યાર્થિનીઓ પાસે સંડાશ સાફ કરાવવા નો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના મહિલા કોલેજ સાથે જોડાયેલી છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ફરિયાદ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઈબ્સ ના અધ્યક્ષ સમક્ષ કરવામાં આવી.
ઘટના બાબતે જાણકારી મેળવતા બહાર આવ્યું છે કે આ ઘટના ચાલુ વર્ષના માર્ચ મહિનાની છે. જ્યારે મહિલા કોલેજમાં હોમ સાયન્સ વિભાગમાં એક સેમીનાર હતો . આ દરમિયાન હોમસાયન્સ વિભાગની પ્રોફેસરો એ કોલેજમાં સફાઈકર્મી હોવા છતાં વિદ્યાર્થિનીઓ પાસે બળજબરીથી સંડાશ સાફ કરાવ્યા હતા. આ બે છાત્રાઓ માંથી એક અનુસુચિત જાતિની અને બીજી આદિવાસી છે.
આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે આ જ કોલેજમાં કાર્યરત એક બીનશૈક્ષણિક કર્મચારી એ પ્રોફેસર વિરુદ્ધ નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઈબ્સ ના અધ્યક્ષ સમક્ષ આ ફરિયાદ કરી. કર્મચારીએ પોતાના ફરિયાદ પત્ર માં એક નકલ કુલપતિને પણ મોકલી હોવાનું જણાવ્યું છે. ફરિયાદ પત્ર માં પ્રોફેસર વિરુદ્ધ અમર્યાદિત વ્યવહાર, જાતિ વિષયક શબ્દો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આટલું જ નહીં કર્મચારીએ આ પ્રોફેસરની કોલેજમાંથી બદલી કરાવી દેવાની પણ વિનંતી કરી છે.
કોલેજ પ્રશાસન ના ધ્યાન માં આ બાબત આવ્યા બાદ એક તપાસ પંચ પણ બનાવી દેવામાં આવ્યું હતું. તપાસ કમિટીએ પોતાની તપાસ પુરી કરી લીધી છે. પીડિત વિદ્યાર્થીઓના નિવેદનો પણ લેવાય ચૂક્યા છે. વિદ્યાર્થિનીઓએ કમિટીને જણાવ્યું છે કે તેમની શૌચાલય સાફ કરાવવામાં આવ્યા છે. સૂત્રો પ્રમાણે આ રિપોર્ટ પ્રોફેસરની વિરોધમાં આવ્યો છે. જેને સોમવારે સાંજ સુધીમાં કુલપતિને સોંપવામાં આવવાનો હતો. જોકે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ કમિટી ઉપર આ રિપોર્ટ દબાવી દેવાનું દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. કમિટીના સભ્યોને સોમવારે લાંબી મિટિંગ કરવી પડી હતી..
ભાષા ઇનપુટ સાથે પત્રિકા.કોમ