મળતી વિગતો અનુસાર ડાંગમાં આવેલા મહાલ-બરડીપાડા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 50 વિદ્યાર્થીઓ ભરેલી બસ 300 ફુટ ઊંડી ખીણમાં ખાબકી છે. જેમાં 1 બાળકનું મોત થયું છે અને 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. અન્ય વિદ્યાર્થીઓ હજુ બસ સાથે ઝાળીઓમાં ફસાયેલા છે. જોકે ઘટના બનતા જ નજીક ગામના રહેવાસીઓએ 35થી વધુ બાળકોને રેસ્ક્યુ કર્યા છે. જ્યારે 6 જેટલી 108 એમ્બ્યુલન્સની ટીમ બચાવ કામગીરી કરી રહી છે.
સુરત શહેરના જે ખાનગી ક્લાસના વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા તેમના વાલીઓને આ ઘટનાની જાણ થતાં તેઓ ચિંતામાં સરી પડ્યા હતા. ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે નજીકમાં વ્યારા અને સોનગઢની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે. હજુ કુલ કેટલા ઘાયલ થયા છે અને કેટલાનાં મોત થયા છે તેની પુરતી વિગતો પ્રાપ્ત થઈ નથી.
ગુરુકૃપા ટ્યુશન કલાસીસના બાળકો સુરતના અમરોલીથી ડાંગના સબરીધામ મંદિર પિકનીક માટે ગયા હતા. સબરીધામ મંદિરથી પાછા ફરતી વેળાએ મહાલ નજીક વળાંકમાં ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ઘટના બની છે. રેસ્ક્યુ કરાયેલા બાળકોને આહવાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
બસમાં આશરે 50 વિદ્યાર્થીઓ સવાર હતા. ત્રણ વિદ્યાર્થીઓના મોતની આશંકા છે. આ મુદ્દે તંત્રને જાણ થતા ડાંગ જીલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે. જેમાં વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.