Surat Diamond Association: સુરત ડાયમંડ એસોસીએશનની(Surat Diamond Association) આરોગ્ય સમિતિ સંચાલિત આર.ટી.એસ.વી. ડાયમંડ હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ રવિવારની સંધ્યાએ શાનદાર રીતે સંપન્ન થયો હતો. આ સમારોહમાં માનવ મેદનીઉમટી પડી હતી. ડાયમંડ હોસ્પિટલના આરંભથી જ દર્દીઓનો અત્યંત રાહતદરે તબીબી સેવાઓ પૂરી પાડવાનું શરૂ કરાયું હતું, આ પ્રકારે ગુજરાતમાં સૌથી વધુ રાહતદરે તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે સંસ્થાની સૂચિત કિરણ-2 હોસ્પિટલને ઝડપભેર વિકસાવવાનો મક્કમ નિર્ધાર ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં જાહેર મંચ પરથી વ્યક્ત કરવામાં આવ્યો હતો.તેમજ ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલમાં જ જન્મ લેનારી 400 દિકરીઓના પરિવારજનોને રૂ.1-1 લાખની કિંમતના બોન્ડ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા
ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવના સમારોહમાં મહાનુભાવો ઉપસ્થિત થાય ત્યાં સુધીમાં કિરણ-2 હોસ્પિટલ માટે લાખો રૂપિયાનું નવું દાન દાતાઓએ આપ્યું હતું. દાતાઓએ કિરણ-2 હોસ્પિટલના નિર્માણમાં મન મૂકીને દાન આપવાની જાહેરાત કરી હતી.ત્યારે આ સમારોહમાં નવું દાન આપનારા દાતાઓનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું.બરાબર સાંજે સાતના ટકોરે સમારોહના અધ્યક્ષ એવા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા, રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઇ ધોળકીયા, ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા, ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને મેયર દક્ષેશ માવાણી સહિતના આગેવાનોનું આગમન મંચ પર થયું હતું.
મનસુખભાઇ માંડવીયાએ કર્યું સંબોધન
કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ રાહતદરે તબીબી સેવા પૂરી પાડવી અને દિકરીઓના જન્મ માટે એક પણ રૂપિયો ચાર્જ નહીં લેવાની ડાયમંડ હોસ્પિટલની બાબતોને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાના ભેખધારી સંસ્થાઓની સમાજને તાતી જરૂરીયાત છે. તેમણે કિરણ-2 હોસ્પિટલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સમારોહને સંબોધતા મનસુખભાઇ માંડવીયાએ કહ્યું કે 200 કરોડથી વધુની રાહત ડાયમંડ હોસ્પિટલ દ્વારા સામાન્ય મધ્યમવર્ગના લોકોને આપવામાં આવી એ બહુ મોટી વાત છે. સુરતની ધરતી નોખી ધરતી છે, આ કર્ણની ધરતી છે, આ ધરતી પર પૂણ્ય અને સેવા આ ધરતીની વિશેષતા છે. 25 વર્ષનો જાહેર જીવનનો અનુભવે છે, કદાચ સૌરાષ્ટ્રમાં ક્યારેય પૂર્ણ્ય દાન ન કર્યું હોય પરંતુ, સુરતની ધરતી પર આવી ગયા અને મંચ પર બેઠા એટલે દાન કરવાનું શરૂ કરી દે છે. પૂણ્ય દાન કરવું બીજાનો સહયોગ કરવો એ ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, જીવન શૈલીનો ભાગ છે. જરૂરીયાતમંદ લોકોને સહયોગ કરવો એ આપણા સંસ્કાર છે. તેમણે અમેરીકા અને ભારતના તબીબી ખર્ચના ઉદાહરણો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે સુરતમાં 30 ચેરીટી હોસ્પિટલો છે, જેમાં 50 ટકા જેટલું કામ રાહત દરે કરવામાં આવે છે. અહીં સ્વાસ્થ્ય એ સેવા છે, ધંધો નથી. સંસ્કારએ ભારતની સભ્યતા છે. કોવીડ આવ્યો ત્યારે આખી દુનિયા સાથે વાતો થતી, દરેક દિવસે દુનિયા પૂછતી કે ભારતમાં કેવું છે, ભારતમાં ડોક્ટરો હોસ્પિટલમાં આવે છે, દુનિયામાં ડોક્ટરો અને નર્સો રજા પર હતા, આપણા દેશમાં કોવીડમાં રોગીઓની સેવા કરતા કેટલાય ડોક્ટરો પોતાના પ્રાણના ભોગે ફરજ બજાવતા રહ્યા. તેમણે સંસ્થાને 600 બેડની હોસ્પિટલ કરો એવી હાકલ સાથે કહ્યું કે આટલા બેડ થશે તો 50 સીટની મેડીકલ કોલેજને મંજૂરી આપવામાં આવશે. સી.પી.ભાઇ, દિનેશભાઇ નાવડીયા સહિત ડાયમંડ હોસ્પિટલ સાથે સંકળાયેલા, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સાથ સહકાર આપનારા તમામને અભિનંદન આપતા મનસુખભાઇ માંડવીયાએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.
ગઈકાલે આ મહોત્સવમાં માનવ મેદની ઉમટી
સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત આર.ટી.એસ.વી. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવનું આયોજન જ્યાં કરવામાં આવ્યું હતું એ કિરણ-2 હોસ્પિટલ જ્યાં નિર્માણ પામવાની છે એ લોકશન (ગ્રાઉન્ડ) પર ગઈકાલે આ મહોત્સવમાં માનવ મેદની ઉમટી પડી હતી. સાંજે 5 કલાકથી જ લોકોનું ગ્રાઉન્ડ પર આગમન શરૂ થઇ ચૂક્યું હતું. મહાનુભાવોની પણ એન્ટ્રી એક પછી એક શરૂ થઇ હતી અને જોતજોતામાં પ્રેક્ષાગાર અને મંચ બન્નેની તમામ બેઠકો ફુલ થઇ ગઇ હતી.
ઇનામી ડ્રો કરવામાં આવ્યો હતો
સમારોહના આરંભે ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી.વાનાણીએ મહાનુભાવોનું સ્વાગત કરતા ડાયમંડ હોસ્પિટલની અત્યાર સુધીની કામગીરીનો ચિતાર આપ્યો હતો. એવી જ રીતે સંસ્થાના ઉપપ્રમુખ કેશુભાઇ ગોટીએ 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલે કેટલી રકમની રાહત આપી તેનો વિગતવાર ચિતાર આપ્યો હતો. આ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલને દાન આપનારા દાતાઓ, જુદાજુદા કાર્યોમાં સહકાર આપનારા આગેવાનો તેમજ ડાયમંડ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહેલા તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું.છેલ્લા 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલમાં જન્મેલી દિકરીઓની દર વર્ષની નામાવલી અનુસાર મહાનુભાવોના હસ્તે લકી ડ્રો કરવામાં આવ્યો હતો. અને 2014થી 2023 સુધીના વર્ષમાં પ્રત્યેક વર્ષની એક દિકરીની ચીઠ્ઠી ઉપાડીને ઇનામી ડ્રો કરવામાં આવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App