જીવનમાં કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવાનો થતો હોય છે! આપણે સૌ જાણીએ છીએ. ત્યારે આવી જ એક ઘટના સામે આવે છે. જો વાત કરવામાં આવે તો આ ઘટનામાં દીકરીએ ધોરણ 12 ની પરીક્ષા હતી અને રાત્રે જ પિતાનું નિધન થઈ ગયું હતુ. જ્યારે ઘરના અન્ય સભ્યોએ તેને હિંમત આપીને પરીક્ષા અપાવી હતી. અને દીકરી પણ સામેથી પિતાનું સ્વપ્નું પૂરું કરવા માટે પરીક્ષા આપવા ગઈ હતી.
આંખોમાં આંસુ, ધ્રૂજતા હાથ અને પિતાનું સ્વપ્ન… 12માની બોર્ડની પરીક્ષામાં બેઠેલી દીકરીની હાલત કંઈક આવી જ થઇ છે. તે દીકરી જાણતી હતી કે જે પિતાએ પોતાના ખભા પર બેસાડીને દુનિયા બતાવી, જે પિતાએ આંગળી પકડીને રસ્તો બતાવ્યો અને જે પિતા હંમેશા આગળ વધવાનું શીખવતા હતા તે પિતા હવે નથી રહ્યા, આજે માત્ર તેમનો મૃતદેહ જ ઘરમાં છે. જેમના અંતિમ સંસ્કાર પરીક્ષા બાદ કરવાના છે. પશ્ચિમ બંગાળની આ દર્દનાક ઘટના વિશે સાંભળીને ભાગ્યે જ કોઈ આંસુ રોકી શકશે…
… અને હમેશાં છોડીને જતા રહ્યા પિતા
અષ્ટમ દલુઈ (40) બીરભૂમ જિલ્લાના બોલપુર નગરપાલિકાના વોર્ડ નંબર 10 મકરમપુરના રહેવાસી હતા. બુધવારે સવારે ચાર વાગ્યે બ્રેઈન સ્ટ્રોકથી તેમનું અવસાન થયું હતું. સવારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને તેઓ તેમની પત્ની અને બે પુત્રીઓને તેમના પરિવાર સાથે છોડી ગયા હતા. તેમની બોલપુર નેતાજી બજારમાં ચાની દુકાન હતી, જે પરિવારની આવકનું એકમાત્ર સાધન છે. તેમની મોટી પુત્રી મૌસુમી દલુઈ પારુલડાંગા શિક્ષણનિકેતન આશ્રમ શાળામાં ધોરણ 12ની વિદ્યાર્થીની છે.
મૌસુમીએ પોતે પરીક્ષા આપવાની ઈચ્છા વ્યક્ત કરી
હાલમાં, પશ્ચિમ બંગાળમાં ધોરણ 12 ની ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે. બુધવારે બીજી ભાષાનું અંગ્રેજીનું પેપર લેવાનું હતું, પરંતુ સવાર પહેલા જ મૌસુમીના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. પિતાના આકસ્મિક અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો, તમામ સભ્યો ધ્રૂસકે ધ્રુસકે રડી રહ્યા હતા પરંતુ મોસમીના આંસુ પિતાના સપનાને મિટાવી શક્યા ન હતા. તેણે મન મજબૂત કરી પરીક્ષામાં બેસવાની ઈચ્છા વ્યક્ત કરી. પડોશીઓની મદદથી સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી અને અંગ્રેજીની પરીક્ષા પૂરી કરી.
મૌસુમીએ કહ્યું- “હું બધી પરીક્ષા આપીશ…”
ભૂબંદંગાના શુકનગર સ્મશાનમાં પિતાના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે પરિવાર અને પડોશીઓ મૌસુમીની રાહ જોતા હતા. પરીક્ષા પૂરી થતાં જ મૌસુમી જલ ઘાટ પહોંચી અને પિતાના અંતિમ સંસ્કાર કર્યા. મૌસુમી દલુઈએ કહ્યું કે, હજુ વધુ વિષયોની પરીક્ષાઓ બાકી છે અને તે તમામ પરીક્ષાઓ આપશે. તેણીએ કહ્યું, “મારા પિતાને અગાઉ બે વાર બ્રેઈન સ્ટ્રોક થયો હતો. ત્રીજી વખત તેમનું અવસાન થયું છે. તેઓ હંમેશા ઈચ્છતા હતા કે, હું મારા જીવનની સૌથી મોટી પરીક્ષામાં સારો દેખાવ કરું. તેથી મેં પરીક્ષા આપી, મારે સારા માર્ક્સ પાસ થવું પડશે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.