ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેરના પ્રતાપનગર હેડ ક્વાટર(Pratapnagar Head Quarter) ખાતે ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલ(Police Constable)નો મૃતદેહ તેમના ગુમ થયાના દસ દિવસ પછી જાંબુવા બ્રિજ નજીકથી ડિકંપોઝ હાલતમાં મળી આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ કોન્સ્ટેબલ કમલેશ વસાવા બાપોદ પોલીસ લાઈનમાં 24 નંબરમાં રહેતા હતા. 30 જાન્યુઆરીના રોજ રાત્રે 12 વાગે પત્નીને કહ્યું હતું કે, ‘મને કોઇ મારવા આવે છે, હું નીચે જઇને આવું છું’ અને બાઈક લઇને સીવીલ ડ્રેસમાં ઘરેથી નીકળી ગયા હતા. બે દિવસ સુધી તેઓ ઘરે પાછા નહીં ફરતા પરિવારજનોએ બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પણ તપાસ વેગીલી ના થતાં પરિવારે કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, બાપોદ PSI સી.એમ.પારેખ દ્વારા આ ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી અને પ્રતાપ હેડકવાર્ટર જઇને તપાસ કરતાં કમલેશ વસાવા 9 જાન્યુઆરીથી માંદગીની રજા ૫૨ છે એટલે નોકરી પર આવતા ન હતા. બાપોદ પોલીસ દ્વારા વિવિધ લોકોના નિવેદન અને સીસીટીવીના આધારે તપાસને આગળ વધારી હતી. પરિવારજનોએ જણાવતા કહ્યું હતું કે ‘ઉતરાયણના દિવસે સામાન્ય તકરાર થઇ હતી પરંતુ મોટો વિવાદ ન હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પરિવાર દ્વારા પોલીસ કમિશ્નર ઓફિસમાં રજૂઆત પછી સમગ્ર તપાસ પીસીબીને સોંપવામાં આવી હતી. ત્યાર પછી આજે રાત્રે કમલેશ વસાવાનો મૃતદેહ વડોદરા શહેર નજીક જાબુંવા બ્રિજ પાસેથી ડિકંપોઝ હાલમાં મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો. પરિવાર દ્વારા તેમના કપડાં અને હાથ પર પહેરેલ લાલ દોરાની મદદથી આ મૃતદેહ કમલેશ વસાવાનો હોવાની ઓળખ કરવામાં આવી છે.
વધુમાં તો કમલેશ વસાવાના મૃતદેહને હાલમાં સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. જેના આધારે જાણ થશે કે, કમલેશ વસાવાએ આપઘાત કયો છે કે પછી તેમની કોઇ દ્વારા હત્યા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.