સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં પેટના દુઃખાવા બાદ ધોરણ નવની વિદ્યાર્થિનીને ઈન્જેક્શન અપાયું હતું. ઈન્જેક્શન બાદ વિદ્યાર્થિનીનું મોત થતાં પરિવારજનોએ તબીબની બેદરકારી કારણે મોત થયાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
હોસ્પિટલમાં તોડફોડ કરાઈ
ધ્વનિ બાબુભાઇ ચૌહાણ ધોરણ નવમા અભ્યાસ કરતી હતી. શનિવારે પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. બાદમાં ટૂંકી સારવાર આપી બીજા દિવસે આવવા કહેલું. હોસ્પિટલમાં બીજા દિવસે બોટલ ચડાવાયેલી અને બાદમાં તેણીનું મોત નીપજ્તાં પરિવારજનોએ તબીબ અને હોસ્પિટલની બેદરકારી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.
સાદા ડ્રેસમાં આવેલી પોલીસ પર હુમલો
દીકરીના મોતને લઇ રોષે ભરાયેલા પરિવારજનોએ સાદા ડ્રેસમાં આવેલા પોલીસ કર્મચારીને તબીબ સમજી લાફા ઝીંકી દીધા, જો કે ભુલ સમજાતા બાદમાં માફી પણ માંગી હતી. અડાજણ ખાતે આવેલા હનીપાર્ક રોડ પર બ્લેસિંગ હોસ્પિટલમાં બાદમાં જ્યાં સુધી ડોકટર હોસ્પિટલ માં હાજર નહીં થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પણ સાફ ઇન્કાર કરી દેવાયો હતો. જો કે કસુરવારો સામે પગલાં ચોક્ક્સથી ભરાશે તેવી ખાતરી પોલીસ તરફથી મળતા મામલો થાળે પડ્યો હતો. કિશોરીના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવશે.