પપ્પા અમારે ત્યાં તક્ષશીલા બિલ્ડિંગમાં આગ લાગી છે અને પપ્પા સૌથી પહેલા અમારો દાદરો જ બળીને ખાખ થઈ ગયો છે, કારણ કે અમાર દાદર લાકડાનો હતો…પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જવાની કોશિશ કરી રહ્યા છે, હું પણ બારીમાંથી કુદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ પપ્પા…મૃતક 16 વર્ષીય ક્રિષ્ના અને તેના પપ્પા વચ્ચે થયેલી જિંદગીની આ છેલ્લી વાતચીત હતી.
પિતાએ ભીની આંખે, થરથર કાંપતા અવાજે પૂછ્યું, હું મારી દિકરીને શોધું છું
લાડકવાયી દિકરીના આ ફોન બાદ તક્ષશીલા બિલ્ડીંગની પાછળ જ આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી ક્રિષ્નાના પિતા અને પરિવારજનો સ્થળ પર પહોંચ્યા, ત્યારે ખબર પડી કે આગમાંથી બચાવાયેલા, ચોથા માળેથી કુદેલા અને આગમાં ભડથું થયેલા બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પરંતુ હાંફળા ફાફળા થયેલા ક્રિષ્નાના પિતાને કંઈ સમજાયું નહીં કે કઈ હોસ્પિટલે જવું અને કોને શું પૂછવું. જેથી પિતાએ ફરીવાર દિકરીને ફોન લગાડ્યો… જો કે આ વખતે તેમની લાડલી ફોન ઉપાડવા માટે આ દુનિયામાં જ રહી નહોતી. થોડી ક્ષણોમાં જ તેમના જીવનમાં એક ખાલીપો આવી ગયો હતો. દિકરીને લગાવેલો ફોન કોઈ બીજા ભાઈએ ઉપાડ્યો અને પિતા સુરેશભાઈએ ભીની આંખે, થરથર કાંપતા અવાજે પૂછ્યું, હું મારી દિકરી ક્રિષ્ના ભિકડીયાને શોધું છું, ગળગળા થઈ કહ્યું મેં એને જ ફોન લગાડ્યો છે…
તમે પહેલા સ્મિમેર આવી જાવ, સાંભળીને પિતા ફસડાઈ પડ્યાં
ત્યારબાદ ફોન ઉપાડનાર ભાઈએ જે કહ્યું એ સાંભળીને સુરેશભાઈ ફસડાઈ પડ્યા…એ ભાઈએ કહ્યું કે તમે પહેલા સ્મિમેરમાં આવી જાવ, અત્યારે હું ત્યાં છું અને અહિં તક્ષશીલામાંથી આગમાં બળી ગયેલી તમામ બોડી આવી છે એ બોડી પાસેથી જ મને આ ફોન મળ્યો છે…
કોઈએ ફ્રેન્ડશિપ બેલ્ટ પરથી તો કોઈએ કાંડે બાંધેલા ધાગા પરથી વ્હાલસોયાઓને શોધ્યા
આ સાંભળીને પિતા સુરેશભાઈને ચક્કર આવી ગયા છતાં હિંમત એકઠી કરીને સ્મિમેર દોડ્યા પણ ત્યાં ભડથું થયેલા બાળકોના દેહનાં ઢગલામાંથી પોતાની વ્હાલસોયી દિકરી ક્રિષ્નાને કેમ શોધવી? બાળકોના શરીર પર જે થોડા ઘણા કપડાં દેખાતા હતા એના પરથી જ અન્ય મા-બાપની આંખો પણ પોતાના બાળકોને જ શોધી રહી હતી. જેમાંથી કોઈ હાથ પરની ઘડિયાળ જોઈને ઓળખવાનો પ્રયાસ કરતું હતું તો કોઈ હાથ પર બાંધેલા ધાગા કે ફ્રેન્ડશિપ બેલ્ટ જોઈને પોતાના લાડકવાયાઓને શોધી રહ્યા હતા. આ દ્રશ્ય એટલું કંપાવનારું હતું કે, પિતા સુરેશભાઈએ એક ખૂણામાં ગમગીન બનીને પોક મૂકીને રડી પડ્યા હતા. તેમાંના ઘણા માતા-પિતાએ તો ભારે હૈયે કોલસો થયેલા મૃતદેદેહ પોતાના માનીને સ્વીકારી લીધા હશે…કારણ કે ઓળખ શક્ય જ ન હતી.