પતિના મૃત્યુ બાદ દેહને વતન લઇ જવાના પણ રૂપિયા નહોતા, ૧૭ કલાક મૃતદેહ પાસે બેસીને મદદની ભીખ માંગતી રહી પત્ની

સુરત(ગુજરાત): કોરોનાકાળમાં અનેક પરિવારોએ સંબંધીઓને ગુમાવ્યા છે. આ સાથે લોકોની આર્થિક સ્થિતિ પણ કથળી ગઈ છે. આ દરમિયાન, સુરત શહેરમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. ઉન પાટિયા વિસ્તારની એક મહિલા પતિના મૃત્યુ બાદ વતન લઈ જવાના પૈસા ન હોવાથી 17 કલાક સુધી મૃતદેહ પાસે બેસીને મદદની પુકારના ફોન ડાયલ કરતી રહી હોવાનું સામે આવ્યું છે. પતિના મૃતદેહને પત્ની આજે સવારે સિવિલ લઈ આવતાં ડોકટરો પણ પીડિત મહિલાની વ્યથા સાંભળી ચોંકી ઉઠ્યા હતા.

જોકે, મૃત્યુનું કોઈ કારણ ન હોવાથી તબીબો દ્વારા પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી હાથ ધરી પોલીસને જાણ કરવામાં આવી હતી. મનીષા ઠાકોર(મૃતક રણજિત અટાસિંગ ઠાકોરની પત્ની)એ જણાવ્યું હતું કે, તેઓ ઉન પાટિયાના મહેબૂબનગરમાં રહે છે. 13 વર્ષના લગ્ન જીવનમાં તે બે સંતાનોની માતા છે. અને તે મૂળ ઝાંસીના રહેવાસી છે. રણજિત સંચા ખાતામાં કામ કરતો હતો અને દારૂ પીવાનો શોખીન હતો. ગઈકાલે(મંગળવારે) દારૂ પીધા બાદ બપોરનું ભોજન લઈ સૂઈ ગયો હતો.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, એક કલાક બાદ તેના મિત્રએ રણજિતને જગાડવાની કોશિશ કર્યા બાદ પણ તે જાગ્યો ન હતો. આ દરમિયાન, તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવતાં મૃત્યુ પામ્યો હોવાની ખબર પડી હતી. આ અંગે તાત્કાલિક વતન સગાં-સંબંધીઓને ફોન કરી જાણ કરવામાં આવી હતી. જોકે, બધાએ મૃતદેહ વતન ઝાંસી લઈ આવવા સલાહ આપી હતી. જેને લઈ મોડી સાંજ થઈ જતાં આખો દિવસ પતિના મૃતદેહ પાસે બેસી રહી હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત, તેણે વધુમાં જણાવ્યું હતું કે સવાર પડતાં જ પડોશીઓ દ્વારા 108ને જાણ કરતાં રણજિતને એમ્બ્યુલન્સની મદદથી સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ડોકટરો દ્વારા તેમને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કરવું પડશે એમ કહી પોલીસને જાણ કરવામાં આવી છે. મહિલાએ કહ્યું કે, સાહેબ ઝાંસી લઈ જવા માટે ઘણા રૂપિયા જોઈએ અને હું આર્થિક રીતે લાચાર છું. મોંઘવારીમાં પતિની હયાતીમાં ઘર અને બાળકોનું ગુજરાન જેમ તેમ ચાલતું હતું. હવે તેમની ગેરહાજરીમાં આટલા રૂપિયા ક્યાંથી લાવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *