સુરત(Surat) હવે માત્ર ડાયમંડ સિટી(Diamond City) જ નહીં, પરંતુ અંગદાનના શહેર તરીકે પણ જાણીતું થઈ રહ્યું છે. ત્યારે હાલ સુરતના વધુ એક પરિવારે અંગદાન(organ donation) કરી માનવતા મહેકાવી છે. જેમાં એક યુવકનું મૃત્યુ થયું હોવાને કારણે તેઓને બ્રેઇનડેડ(Braindead) જાહેર કર્યા હતા. જેને પગલે પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.
વિગતવાર વાત કરીએ તો, ૩૮ વર્ષીય વિપુલભાઈ લાભુભાઈ ભીકડીયા સુરતના જલદર્શન એપાર્ટમેન્ટ, કોઝવે રોડ, સિંગણપોર ગામના રહેવાસી હતા. તેઓ એમ્બ્રોઇડરીનું યુનીટ ધરાવતા હતા. ત્યારે ૨૨ ડિસેમ્બરના રોજ એકાએક તેમને માથામાં દુઃખાવો અને ઉલ્ટી થતા તેમને કતારગામમાં આવેલ અનુભવ હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. આ દરમિયાન બે દિવસની સારવાર બાદ તેમની તબીયતમાં સુધારો જણાતા તેમને તા. ૨૪ ડિસેમ્બરના રોજ હોસ્પીટલ માંથી રજા આપવામાં આવી હતી.
ત્યારે ઘરે આવ્યાના થોડા કલાક પછી તેમને ખેંચ આવતા તેમને ફરી અનુભવ હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. ત્યારબાદ ૨૫ ડિસેમ્બરના રોજ વધુ સારવાર માટે તેમને વિનસ હોસ્પિટલમાં ડૉ. રાકેશ કળથીયાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજની નસમાં લોહીનો ફુગ્ગો થઇ જવાને કારણે મગજની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું. તેમજ બ્રેઈન હેમરેજ હોવાનું પણ નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. મેહુલ બાલધાએ ૧ જાન્યુઆરીના રોજ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગથ્થો અને સોજોદુર કર્યો હતો.
આ પછી ૫ જાન્યુઆરીના રોજ તબીબો દ્વારા વિપુલભાઈને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. જેને પગલે ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી વિપુલભાઈની પત્ની આશાબેન, ભાઈ ભાવેશભાઈ, બનેવી દિલીપભાઈ અને વિજયભાઈ, સાળા વિપુલભાઈ અને જીગ્નેશભાઈ, પુત્ર ધાર્મિક અને પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
આ અંગે વિપુલભાઈના પરિવારજનોએ જણાવ્યું કે, આજે અમારું સ્વજન બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. ત્યારે શરીર બળીને રાખ જ થઇ જવાનું છે. ત્યારે અમારા સ્વજનના અંગોના દાનથી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તમે અંગદાન માટે આગળ વધો. આ માનવ સેવા નું ઉમદા કાર્ય છે. વિપુલભાઈના પરિવારમાં તેમની પત્ની આશાબેન, પુત્રી નિષ્ઠા (૧૬) કે જે શારદા વિધ્યાલયમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે, પુત્ર ધાર્મિક (૧૫) શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે.
ત્યારબાદ પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદયમુંબઈની જશલોક હોસ્પિટલને, ફેફસાં ચેન્નાઈની MGM હોસ્પિટલને અને લિવર અમદાવાદની IKDRCને ફાળવવામાં આવ્યા. લિવરનું દાન IKDRCના ડો. સુરેશ કુમાર અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ એક જરૂરિયાતમંદ દર્દીમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.