દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને વધુ એકવાર થપ્પડ મારવામાં આવી છે. કેજરીવાલ નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે રોડ શો કરી રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિએ ગાડી ઉપર ચડીને થપ્પડ મારી હતી. કેજરીવાલને થપ્પડ મારનાર વ્યક્તિનું નામ સુરેશ હોવાનુ કહેવાય છે. થપ્પડ મારનાર યુવાનને કેજરીવાલના સમર્થકોએ પકડી લીધો હતો. ત્યાર બાદ પોલીસે થપ્પડ મારનાર વ્યક્તિની ધકપકડ કરી હતી. નોંધનીય છે કે, આ પહેલાં 4 એપ્રિલ 2014ના રોડ શો દરમિયાન પણ એક વ્યક્તિએ અરવિંદ કેજરીવાલને થપ્પડ મારી હતી.
આજે અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીમાં લોકસભા સીટ માટે કરમપુરા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. રોડ શો દરમિયાન અચાનક એક લાલ ટી-શર્ટ પહેરેલો વ્યક્તિ ગાડી પર ચડી ગયો હતો અને તેણે અરવિંદ કેજરીવાલને થપ્પડ મારી દીધી હતી. સમર્થકો તેને પકડે પહેલાં જ તે વ્યક્તિએ ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે અંતે સમર્થકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો.
હાલ આરોપીની ઓળખ કૈલાશ પાર્કમાં રહેતા સુરેશ તરીકે થઈ છે. માનવામાં આવે છે કે, સુરેશ પહેલેથી જ અરવિંદ કેજરીવાલથી ખૂબ નારાજ હતો. તેથી તે પહેલેથી જ રાહ જોઈને આ જગ્યાએ ઉભો હતો અને જેવી કેજરીવાલની ગાડી આવી કે તેણે તુરંત ગાડી પર ચડીને સીએમને થપ્પડ મારી દીધી હતી.
આપ પ્રવક્તા સૌરભ ભારદ્વાજી કહ્યું હતું કે, ભાજપના લોકો નફરત કરે છે. જોકે ભાજપના પ્રવક્તા જફર ઈસ્લામે પણ તુરંત જ તેનો જવાબ આપતા કહ્યું હતું કે, દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલથી નારાજ છે. ભાજપના કાર્યકર્તાઓ આ બધી બાબતોમાં વિશ્વાસ નથી રાખતા. હું પોતે પણ આ પ્રકારની ઘટનાઓને યોગ્ય નથી ઠેરાવતો. આ ઘટના પછી પણ અરવિંદ કેજરીવાલે રોડ-શો ચાલુ રાખ્યો હતો.