કાશ્મીરના અનંતનાગમાં મતદાન અગાઉ ભાજપના નેતાની હત્યા.

ભારત પ્રશાસિત કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે રાત્રે કથિત ઉગ્રવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા ગુલામ મોહમ્મદ મીરની ગોળી મારીને હત્યા કરી છે. મીર અનંતનાગ જિલ્લામાં પાર્ટીના ઉપાધ્યક્ષ હતા.

કાશ્મીરના અનંતનાગમાં માં ત્રીજા ચરણની ચૂંટણી 6 મેએ ચૂંટણી યોજાવાની છે, જેના અગાઉ આ હત્યા થઈ છે. જે 2019ની સામાન્ય ચૂંટણીની પ્રથમ રાજકીય હત્યા માનવામાં આવે છે.

ભાજપે હત્યાની ટીકા કરીને સીબીઆઈ તપાસની માગ કરી છે.

પોલીસે એક નિવેદન આપીને કહ્યું છે કે મીર પર તેમના નૌગામમાં આવેલા ઘરમાં હુમલો થયો. ગંભીર રીતે ઘાયલ થયેલાં મીરને સારવાર માટે હોસ્ટિપટલ લઈ જવાયા, જ્યાં તેમનું મૃત્યુ થયું. પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે.

ભાજપના રાજ્ય એકમના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું, મીર લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા. તેઓ સરપંચ પણ રહી ચૂક્યા હતા અને બે વખત વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા, પણ જીતી શક્યા નહોતા. અનંતનાગ બેઠકના લોકસભા ચૂંટણીના ઉમેદવાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ સોફી યૂસુફે સીબીઆઈ તપાસની માગ કરી છે.

પુલવામા હુમલા બાદ અન્ય અનેક નેતાઓ સાથે મીરની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી તેમ રાજ્યનું ભાજપ એકમ જણાવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે શોક વ્યકત કર્યો છે.

કેજરીવાલને થપ્પડ, ભાજપ પર આરોપ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને શનિવારે એક રોડ શો દરમિયાન એક અજાણ્યા માણસે થપ્પડ મારી દીધી.

કેજરીવાલ પશ્ચિમ દિલ્હીના મોતીનગર વિસ્તારમાં પાર્ટી ઉમેદવાર બલબીર સિંહ જાખડ સાથે પ્રચાર કરી રહ્યા હતા.

રોડ શો માટે કેજરીવાલ ખુલી જીપમાં સવાર હતા, ત્યારે જ ટી-શર્ટ પહેરેલી એક વ્યક્તિએ ગાડીના બોનેટ પર ચઢીને કેજરીવાલને થપ્પડ મારવાની કોશિશ કરી.

આમ આદમી પાર્ટીના ટ્વિટર પર લખ્યું છે, “આ અરવિંદ કેજરીવાલ પર હુમલો નથી. આ દિલ્હી અને તેના જનમત પર હુમલો છે. દિલ્હીના લોકો 12 મેએ ભાજપને તેનો જડબાતોડ જવાબ આપશે.”

કેજરીવાલ સરકારના મંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું કે શું મોદી અને અમિત શાહ હવે કેજરીવાલની હત્યા કરાવા માગે છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *