મહાભારત સમયની અનેક કથાઓ વિશે તમે સાંભળ્યું હશે. પાંડવ, કૌરવ કોણ હતા અને મહાભારતનું યુદ્ધ કેવી રીતે થયું તે પણ તમે જાણતા હશો. પરંતુ શું તમે જાણો છો કે ભીમની પત્ની હિડિંબાના વંશજ આજે પણ ભારતમાં રહે છે ?
ભારતના નાગાલેન્ડ રાજ્યમાં તેઓ વસે છે. વર્ષ 1961માં આ રાજ્યનું નામ નાગાલેન્ડ રાખવામાં આવ્યું હતું. જો કે ત્યાર પહેલા આ વિસ્તારને નગા હિલ્સ તુએનસાંગ એરિયા કહેવામાં આવતો. શરૂઆતમાં આ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ હતો. એક ડિસેમ્બર 1963માં તેને દેશનું 16મું રાજ્ય બનાવાયું.
નાગાલેન્ડ ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં માત્ર એક જ રેલ્વે સ્ટેશન છે અને એક જ એરપોર્ટ છે. દીમાપુર જે નાગાલેન્ડનું પ્રવેશ દ્વાર ગણાય છે ત્યાં આ બંને આવેલા છે. રાજ્યના ઉત્તરમાં અરુણાચલ પ્રદેશ, પશ્ચિમમાં આસામ અને દક્ષિણમાં મણિપુર રાજ્ય છે. જ્યારે પૂર્વમાં મ્યાંમાંર દેશ આવેલો છે. અહીંની મુખ્ય ભાષા અંગ્રેજી છે. આ ઉપરાંત અહીં હિંદી અને 16 આદિવાસી ભાષા બોલવામાં આવે છે.
દિમાપુરમાં મહાભારત સમયની વિરાસત આજે પણ જોવા મળે છે જે પ્રવાસીઓને આકર્ષે છે. અહીં આજે પણ હિડિંબા વાડ છે. અહીં રાજવાડીમાં શતરંજના પ્યાદા જોવા મળે છે જે વિશાળ છે. લોકોનું માનવું છે કે તેનાથી જ ભીમ અને હિડિંબા રમત રમતા હતા. આ જગ્યાએ પાંડવોએ વનવાસનો સમય પણ પસાર કર્યો હતો.
દીમાપુર હિડિંબાપુર તરીકે પણ જાણીતું હતું. આ જગ્યાએ મહાભારત કાળમાં હિડિંહ રાક્ષસ અને તેની બહેન હિડિંબા રહેતા હતા. અહીંજ ભીમએ હિડિંબા સાથે લગ્ન કર્યા હતા. અહીં રહેતી ડિમાશા જનજાતિ ભીમ અને હિડિંબાના વંશજ હોવાનું માનવામાં આવે છે.