વધુ એક સપુતે ઓઢ્યું તિરંગાનું કફન… દ્વારકાના કોબ્રા કમાન્ડો દિલીપભાઈ સગર ઓડિશામાં થયા શહીદ

લેખક- અલ્પેશ કારેણા: આ નામ હવે આખા ભારત માટે જાણીતું છે. કોબ્રા કમાન્ડો દિલીપભાઈ(Martyred Cobra Commando Dilipbhai Sagar) ઓળખાણના કોઈ મોહતાજ નથી રહ્યાં. એમના પાર્થિવ દેહને…

લેખક- અલ્પેશ કારેણા: આ નામ હવે આખા ભારત માટે જાણીતું છે. કોબ્રા કમાન્ડો દિલીપભાઈ(Martyred Cobra Commando Dilipbhai Sagar) ઓળખાણના કોઈ મોહતાજ નથી રહ્યાં. એમના પાર્થિવ દેહને અમદાવાદથી એમના વતન ઝારેરા લઈ જવાનો હતો ત્યારે જવાનો સાથે એ જ ટ્રકમાં મને પણ એમના પાર્થિવ દેહના અંતિમ 16 કલાક સાથે રહેવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. મારુ વતન પણ ઝારેરાંની બાજુમાં ગડુ ગામ. એટલે અમદાવાદથી ઝારેરા 12 જવાનો સાથે તેમજ શહીદ દિલીપભાઇના કમાન્ડો સાહેબ સાથે અમદાવાદથી અહીં સુધી આવતી વેળાએ જે કંઇ જાણવા મળ્યુ એમની હળવી વાતો કરવી મને જરૂરી લાગે છે.

આખા ભારતમાં કોબ્રા કમાન્ડો ફોર્સ નથી. માત્ર 10 રાજયમાં 10 બટાલિયન ફરજ બજાવતી રહે છે. લગભગ 2008 પછી આ કોબ્રા કમાન્ડો ફોર્સની રચના કરવામા આવી. કોબ્રા કમાન્ડોને આપણી ભાષામાં જંગલના યોદ્ધાઓ પણ કહી શકાય. આંતકવાદીને સૌથી વધારે જો કોઈ ફોર્સની બીક લાગતી હોય તો એ કોબ્રા કમાન્ડો છે. જંગલની અંદર જ એમની તાલીમ થાય અને ત્યાં જીવન પસાર કરવા અંગેની માહીતી આપી સજ્જ કરવામા આવે. લગભગ 9 પ્રકારની રાઇફલો પણ કોબ્રા કમાન્ડો ચલાવી શકવાની આવડત ધરાવે છે. તમે વિચારો કે, 9-3-1997 ના દિવસે જન્મેલ દિલીપભાઇ કેટલા ટેલેન્ટ વ્યક્તિ હશે. માત્ર 27 વર્ષની ઉંમરે અહીંયા સુઘી પહોંચવું એ કંઈ બચ્ચાના ખેલ નથી. કોઈ જમીન કે ધંધો નહીં, માથા પર પિતાનો છાયડો નહી. કાળી મજૂરી કરીને એવા ગામમાંથી ફોર્સ જોઈન કરી કે જ્યાં કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ નથી. સુવિધા વગર સફળતાની સીડી ચડે એને અસલી સફળતા અને રિયલ હિરો કહેવાય.

દિલીપભાઇની આર્થિક પરિસ્થિતિ મધ્યમ વર્ગમાં પણ ન ગણી શકાય એવી કહી શકાય. કાળી મજૂરી કરીને પરીવાર ગુજરાન ચલાવતા. એમાં પણ નાની વયે જ પિતાનુ નિધન વધારે કઠણ માહોલ બનાવતું ગયું. છતા દેશ માટે કંઇક કરી છૂટવાની તમન્ના દિલીપભાઈની ઓછી ન થઈ. દિવસે મજૂરી અને સાંજે પરિક્ષાની તૈયારી. રહેવા માટે પાક્કું ઘર પણ હમણાં જ બનાવ્યું. આવી અને પરિસ્થિતિમાં પસાર થઈ ઘડાઈને દિલીપભાઇએ 2016 આસપાસ CRPF જોઈન કર્યુ અને ત્યારબાદ કોબ્રા કમાન્ડો બન્યા.

એમની પોસ્ટનું ક્યારેય અભિમાન નથી કર્યું. કોઇ પ્રકારના માન સન્માનની અપેક્ષા નથી રાખી. વાત વણી કે વર્તનમાં એટિટ્યુટ નથી બતાવ્યો. અભિમાન કે અહમ નામનો તો છાંટો નહી. અરે હું તો ત્યાં સુધી કહું કે, સગર સમાજના 98 ટકા લોકો દિલીપભાઈને જાણતા પણ નહીં હોય. આટલું શાંત અને સરળ વ્યકિત. એક જ ફોકસ કે દેશસેવા કરવી. ફરજિયાત કરવુ પડે એ સિવાયનું કોઇ વ્યસન નહી. ગામમાં જ્યારે પણ રજા પર હોય દરરોજ સવાર સાંજ દાસારામ બાપાની આરતી કરવા આવવાનું જ.. સગર સમાજના યુવાનો સાથે ટચમાં રહેવાનું અને સમાજ વિકાસ માટે નવા નવા રસ્તાઓ બતાવવા. પરિવારનું પૂરેપૂરું ભરણ પોષણ કરવાનો પ્રયત્ન, ગામના વિકાસ માટે હમેશા ખડેપગે. શહીદ કોબ્રા કમાન્ડો દિલીપભાઈ એટલે એક એવો દરિયો કે જેમાં અનેક પવિત્ર નદીઓનો સંગમ જૉવા મળે.

એમના સાથે કામ કરેલા અને એમના સાહેબ સાથે વાત થઈ ત્યારે એમણે પણ એ જ જણાવ્યું કે આવાં નાનકડા ગામમાંથી આટલા મોટાં હોદ્દા પર પહોંચવું અને એ પણ આટલી નાની ઉમરે એ જ મોટી વાત છે. તેઓ વાત કરતા કે દિલીપને કામથી કામ જ હોય, ક્યારેય એમની પાસે ખોટી લપ ના હોય. એ માણસ એટલુ શાંત હતું કે હમેશા હસતો ચહેરો જ રાખે. બધા સાથે પ્રેમથી વાતો કરે અને દરેકનું માન સન્માન જાળવે. જૉ એ આપણી મજાક પણ કરી લે તો ખબર ન પડે. કોબ્રા કમાન્ડો કરતા પણ એક ઉંચી પોસ્ટ આવે એનાં માટે પણ દિલીપભાઇની મહેનત શરૂ હતી અને એ હાંસલ પણ કરી લેતા. પરંતું કુદરતે કંઇક અલગ ધાર્યું હતું. એમની નસેનસમાં અને દરેક રૂંવાડામાં દેશભક્તિ ઠુસી ઠૂસીને ભરી હતી. તેઓ જ્યારે આટલી નાની વયે ફાની દુનિયાને છોડી ચાલ્યા ગયાં ત્યારે અમને પણ આઘાત લાગ્યો. જવાનો સાથે આવી ઘણી અવનવી વાતો જાણવા મળી.

કોબ્રા કમાન્ડો શહીદ સગર દિલીપભાઈના પાર્થિવ દેહને અગ્નિદાહ અપાયા બાદ ગામ લોકો સાથે રાત્રે ૩ વાગ્યા સુધી બેસવાનું થયુ ત્યારે પણ દિલીપભાઇની ઘણી વાતો જાણવા મળી જ જીવનમાં ઉતારવા જેવી છે. એક નાનકડો પ્રસંગ આપની વચ્ચે શેર કરું. ઝારેરા ગામમાં જ એક મહિલા દારુ વેચવાનો ધંધો કરતી. ગામના ઘણા લોકો અને દિલીપભાઇના ઘણા સગા સંબંધી પણ ત્યાં ટેવાયા થતાં હતાં અને ઊંધા રવાડે ચડવા લાગ્યાં હતાં. ૨ વખત એ મહીલાને ચેતવી છતાં ન માની. પછી દિલીપભાઇ ત્યાં ઝૂંપડીએ ગયા અને કેરોસીન છાંટી ઝુંપડી સળગાવી દીધી. પછીથી મહીલા ત્યાં નથી દેખાઈ. જ્યાં દીલિપભાઈ ભણ્યા એ ઝારેરા ગામની પ્રાથમિક શાળા પ્રત્યે પણ દીલિપભાઈને એકદમ જોરદાર લગાવ હતો. તેઓ જ્યારે પણ રજા પર આવે એટલે એક વખત જરૂરથી શાળાની મુલાકાત લે. એમાં પણ એમણે જોયું કે શાળામાં કુલર નથી તો દીલિપભાઈએ પોતાના ખર્ચે બાળકો માટે કુલર પણ લગાવી આવ્યું હતું. કદાચ એટલે જ શાળાના આચાર્યને દીલિપની શહીદીનું સૌથી વધારે દુખ કે પીડા થઈ હશે. ગામમાં પણ બધા સાથે એમના સંબંધો એટલા સારા કે એમનો કોઈ દુશ્મન નથી.

આવા અનેક વીરતા અને ખુમારીના કામ કરનાર વિરલો ભાઇ દિલીપ હવે આપણી વચ્ચે નથી. ત્યારે સગરના દિકરા તરીકે આપણે દિલીપભાઇના જીવન કવનમાંથી થોડો ઘણો ઘુંટડો જો આપણા જીવનમાં ઉતારી અમલમાં મુકશું તો ખરેખર સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરી કહેવાશે.

જય હિન્દ, ભારત માતા કી જય…
શહીદ કોબ્રા કમાન્ડો દિલીપભાઈ સગર અમર રહો..
(Martyred Cobra Commando Dilipbhai Sagar)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *