સરદારધામ મિશન -2026 અંતર્ગત GPBS-2024 ‘દેશ કા એક્સ્પો’ પ્રમોશનલ કાર્યક્રમનું સુરત ખાતે થયું આયોજન

Published on Trishul News at 12:10 PM, Mon, 2 October 2023

Last modified on October 2nd, 2023 at 12:10 PM

સરદારધામ આયોજિત એક શામ સમસ્ત પાટીદાર કે નામ એવમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS 2024) ‘દેશ કા એકસ્પો’ના પ્રમોશનલ કાર્યક્રમનું આયોજન આજ રોજ સમસ્ત પાટીદાર સમાજ ની વાડી, કતારગામ ,સુરત ખાતે કરવામાં આવ્યું હતું. આ સમિટમાં દેશ-વિદેશના અલગ અલગ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિઓ અને ધંધાર્થીઓ એક જ પ્લેટફોર્મ પર આવે અને સ્ટોલધારક/ સ્પોન્સર્સ અને વિઝીટર્સ તરીકે સમિટમાં જોડાય એ આ સમિટનો મુખ્ય ઉદ્દેશ છે.

સરદારધામ દ્વારા સરકારશ્રીના વાયબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર 2 વર્ષે યોજાતી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2018 અને 2020માં ગાંધીનગર ખાતે તેમજ 2022ની સમિટ દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ એવા સુરતમાં યોજાઇ હતી. જ્યારે આ વખતની વર્ષ-2024ની સમિટ સૌરાષ્ટ્રના રાજસ્વી એવા રાજકોટ શહેર ખાતે તા.7-8-9-10 જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહી છે. સરદારધામ આયોજીત ગ્લોબલ પાટીદાર સમિટની વાત કરીયે કે સરદારધામ સંસ્થા દ્વારા દીકરીઓને શિક્ષણ અને સ્વનિર્ભર બનાવવાના ભાગરૂપે રૂ. 1 ના ટોકન દરથી અપાતી રહેવા-જમવા-તાલીમ- માર્ગદર્શનની વાત કરીયે, આખા દેશમાં આવા પ્રકારની કોઈ પહેલ કરનાર સામાજીક સંસ્થા હોય તો તે કદાચ સરદારધામ સંસ્થા પ્રથમ હોઈ શકે. જે અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ છે.

રાષ્ટ્રગાન અને સરદાર સાહેબના ફોટા આગળ દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી. ત્યારબાદ GPBS-24 ના દક્ષિણ ગુ. કન્વીનર મનિષભાઇ કાપડીયા દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું હતું. GPBS-24 ના ઇવેન્ટ પાર્ટનર જીતુભાઇ કથીરીયાએ સમિટની માહિતી આપતા જણાવ્યું કે, 50 એકર જેટલી જગ્યામાં આ એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અલગ અલગ કંપનીઓના 1100 જેટલા સ્ટોલ હશે. જેમને બિઝનેસ કેટેગરી વાઇઝ પેવેલિયનમાં સ્થાન આપવામાં આવશે. આ સમિટ માટે આપણે 36 થી વધુ દેશોમાં પ્રમોશનલ કાર્યક્રમ કરેલ છે. તેમજ તે દેશોની એમ્બેસી સાથે સંકલન કરીને 1000 થી વધુ એક્ચ્યુઅલ બાયર્સ આ ‘દેશ કા એક્સ્પો’માં હાજરી આપે તે પ્લાનીંગ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. આ બાયર્સને રહેવા-જમવાની તમામ વ્યવસ્થા સમિટ તરફથી ફ્રી આપવામાં આવશે.

હાલ 70% સ્ટોલ બુકીંગ અને 80% સ્પોન્સરશીપ બુકીંગ થઇ ગયેલ છે. આ સમિટમાં સ્ત્રી સશકિતકરણના ભાગરૂપે મહિલાઓને 50% ડીસ્કાઉન્ટથી સ્ટોલ આપવામાં આવશે. તેમજ આ સમિટથી જે પણ નફો થશે તે તમામ નફો સરદારધામ દ્વારા દીકરી દત્તક યોજનામાં આપવામાં આવશે. જીતુભાઇએ જણાવ્યું કે, આ સમિટમાં 10 લાખથી વધુ લોકો મુલાકાત લેશે એવી આશા છે.

સરદાર સાહેબના વિચારોને કેન્દ્રમાં રાખીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સુત્રને અનુસરીને કામ કરનારા અને પોતાને સરદારધામ સંસ્થાના પ્રમુખ નહીં પણ પ્રમુખસેવક કહેનારા ગગજીભાઇ સુતરીયા દ્વારા ઉપસ્થિત સૌને સરદારધામ સંસ્થાના મિશન-વિઝન-પરિણામો અને ભાવિ આયોજનો અંગે માહિતી અપાઇ હતી. તેમણે જણાવ્યું કે, વિશુધ્ધભાવે કરેલ સંકલ્પમાં ખુબ મોટી તાકાત રહેલી છે. જેનું ઉદાહરણ સરદારધામના ઝોન વાઇઝ ઉભા થઈ રહેલા ભવનો છે. આપણે સૌ સરદાર સાહેબના સીધા વારસદારો છીએ અને સરદાર સાહેબનું સ્વપ્ન હતું કે મારો સમાજ સક્ષમ, સબળ ,તેજસ્વી, ઓજસ્વી ,રાજસ્વી બને. ત્યારે એ સ્વપ્નને સાકાર કરવા આપણા સૌની એ પવિત્ર ફરજ છે કે સરદારધામ સાથે જોડાયેલી એક-એક વ્યક્તિ સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર બનીને તેમના સ્વપ્નના સમાજનું નિર્માણ કરે.

GPBS- 24 પ્રમુખ હંસરાજભાઈ ગજેરા એ સમિટમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું હતું. કાર્યક્રમમાં સરદારધામ યુવા સંગઠન ગુજરાત કન્વીનર અભિનભાઇ કળથીયા દ્વારા સૌને યુવા સંગઠનની પ્રવૃતિઓ અને આગામી આયોજનો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અને અંતે GPBS-24 દ. ગુ. સહકન્વીનર ગણપતભાઇ ધામેલિયા દ્વારા ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો.

સુરત ખાતે યોજાયેલ આ પ્રમોશનલ કાર્યક્રમમાં પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, મનજીભાઈ ડુંગરાણી, દિયાળભાઈ વાઘાણી, લાલજીભાઈ પટેલ, કેશુભાઈ ગોટી, વેલજીભાઇ શેટા, માધવજીભાઇ માંગુકિયા, ઘનશ્યામભાઇ શંકર, મનહરભાઈ સાચપરા, બાબુભાઇ વાઘાણી, જસમતભાઈ વિડીયા, કાળુભાઈ ઇટાલિયા, હંસરાજભાઇ ગજેરા,નાનુભાઇ વાનાણી, ધીરૂભાઇ માલવિયા, વી.ડી.ઝાલાવાડિયા, સવજીભાઈ વેકરિયા, હરિભાઈ કથીરીયા, અરવિંદભાઈ ધડુક, બાબુભાઈ ગુજરાતી સહિત સુરત શહેરના નામાંકિત ઔદ્યોગિક-વ્યાપારી સભ્યો, સામાજીક અગ્રણીઓએ હાજરી આપી હતી. તેમજ ટીમ GPBO અને યુવા સંગઠનના સભ્યો પણ ખુબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન મહેશભાઇ ધામેલિયા, વિપુલભાઇ બુહા અને અમિતભાઇ મુલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ તેનું આયોજન ટીમ GPBS, GPBO અને યુવા સંગઠન દક્ષિણ ગુજરાત ઝોનના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. સરદારધામ જેવી એક સામાજીક સંસ્થા આદર્શ કલ્યાણ રાજ્ય સ્થાપવાની કામગીરીમાં સહયોગી થઈ રહ્યું છે. તે ખુબ સરાહનીય છે.

Be the first to comment on "સરદારધામ મિશન -2026 અંતર્ગત GPBS-2024 ‘દેશ કા એક્સ્પો’ પ્રમોશનલ કાર્યક્રમનું સુરત ખાતે થયું આયોજન"

Leave a comment

Your email address will not be published.


*