સુરતના ધામેલિયા-વાઘાણી પરિવારની નુતન પહેલ, લગ્ન પ્રસંગમાં ચાંદલા માટે ટેબલ નહી રાખે પણ કરશે આ અનોખું કાર્ય

સુરત(Surat): બે આત્મા અને પરિવારના મિલન સમા લગ્નને લોકો અલગ અલગ રીતે યાદગાર બનાવવા માટે તમામ પ્રયત્ન કરતાં હોય છે અને આ પ્રકારના અનેક ઉદાહરણો સમાજમાંથી સામે પણ આવ્યા છે. ત્યારે હવે સુરતના મોટા વરાછા ખાતે રહેતા ધામેલિયા અને વાઘાણી પરિવાર(Dhameliya -Vaghani family) દ્વારા પોતાના દીકરા-દીકરીના શુભ લગ્ન પ્રસંગને સેવાયજ્ઞ તરિકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો ધામેલિયા-વાઘાણી પરિવાર દ્વારા દીકરા દીકરીના લગ્નના જમણવાર પ્રસંગે જે ચાંદલો કે ભેટ આવે તે પોતે નહી રાખે અને તે તમામ ભેટ અને ચાંદલો ગૌશાળાને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી ગૌશાળાના ટેબલ પર ચાંદલા સ્વરૂપે જે આપવામાં આવે તે સીધું ગૌશાળાના સ્વયંસેવકો દ્વારા સ્વીકારવામાં આવશે.

ઉકાભાઈ વાઘાણીએ જણાવતા કહ્યું હતું કે, રાધિકાના લગ્ન મીત સાથે અને ધવલના લગ્ન શ્રધ્ધા સાથે 11 ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહ્યા છે. ત્યારે અમારા ધામેલિયા અને વાઘાણી પરિવાર લગ્નમાં કોઈપણ પ્રકારની ચાંદલો કે ભેટ લેવા તેઓ માંગતા નથી. પરંતુ આ પરિવાર ઘણા વર્ષોથી ગૌશાળા સાથે જોડાયેલો હોય તેમને ગૌ શાળાને ઉપયોગી થવા એક અનોખો અને સારો વિચાર આવ્યો છે.

વિચાર એવો હતો કે, લગ્ન પ્રસંગ પર જે પણ ચાંદલો કે ભેટ આવે તો નથી લેવા. પરંતુ આ નિમિત્તે લોકો જે ભેટ પરિવારને આપવા ઇચ્છતા હોય તે સીધી ગૌશાળાને જાય તે પ્રકારની વ્યવસ્થા બન્ને પરિવાર દ્વારા કરવામાં આવી છે.

સાથે જ ધામેલિયા પરિવારના સભ્ય કાળુભાઈ ધામેલિયાએ જણાવતા કહ્યું હતું કે, લગ્નમાં ચાંદલાની એક પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને આ પ્રથા ખૂબ સારી છે. તેનાથી જેને ત્યાં લગ્ન પ્રસંગ હોય તેને ટેકો થઈ શકે છે. ત્યારે અમે આ પ્રથામાં આ વખતે થોડો બદલાવ કરવા જઈએ છીએ. દીકરીના લગ્નમાં ગાયોને દાન આપવાનું અતિ મહત્વ છે. ત્યારે ગૌશાળામાં રહેતી ગાયોના નિભાવ માટે કંઈ થઈ શકે તેવા વિચારની સાથે વ્યવહાર પણ સચવાઈ જાય અને ગાયો માટે કંઈ થઈ શકે તે હેતુથી આ અનોખી પહેલ કરવામાં આવી છે. અમારા સંબંધીઓ પણ આ વાતથી ખુબ જ ખુશ છે.

દહીંથરા (ગોવિંદ ભગત) ગૌ શાળા સાથે સંકળાયેલા સ્વયંસેવકએ જણાવતા કહ્યું હતું કે, ધામેલિયા અને વાઘાણી પરિવારનો આ અનોખો વિચાર ખૂબ જ સરાહનિય અને બિરદાવવા લાયક છે. ગાયને આપણે સૌ માતા માનિએ છીએ. પરંતુ ગાયો રસ્તા પર રખડતી અને રઝળતી જોવા મળે છે. ત્યારે આ પ્રકારે સામાજિક જાગૃતિ જેવી અનોખી પહેલ વધુ થશે તો ગૌ શાળાઓની સંખ્યામાં વધારો થશે. અંતે ગાયને નિવાસ મળશે અને રસ્તે રખડતી ગાયો પણ બંધ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *