બાકી પગાર અને પુનઃ નોકરી પર નહિ લેવામાં આવતા કતારગામ સ્થિત એચવીકે ડાયમંડના બેરોજગાર થયેલા રત્નકલાકારોએ પોલીસ કમિશનર અને જિલ્લા કલેકટરને રજૂઆતે કરી આગામી તા. 10 ઓગષ્ટના રોજ ધરણા કરવાની પરવાનગી માંગી છે.
મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને કારણ રત્નકલાકારોની હાલત દિનપ્રતિદિન કફોડી થઇ રહી છે. મંદીને લીધે રત્નકલાકારોને નોકરીમાંથી છુટા કરાય રહ્યા છે. એક તરફ હીરા ઉદ્યોગના અગ્રણીઓ વ્યાપાર સામાન્ય ચાલી રહ્યો છે અને બીજી તરફ કેટલાક કારખાનામાંથી રત્નકલાકારોને છુટા કરાય રહ્યા છે. રત્નકલાકારોને છુટા કરવામાં ચાલી રહેલા દૌર વચ્ચે દસ દિવસ અગાઉ કતારગામ સ્થિત એચવીકે ડાયમંડમાંથી છુટા કરવામાં આવેલા રત્નકલાકારોએ આજે જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને રજૂઆતે કરી આગામી તા. 10 ઓગષ્ટના રોજ ડાયમંડ કંપનીની સામે ધરણા પર બેસવાની મંજુરી માંગી છે.
છુટા કરાયેલા રત્નકલાકારોએ જણાવ્યું હતું કે તા.3 મે થી આગોતરી જાણ કર્યા વિના વેકેશન આપી દેવાયું હતું. એક માસ પછી કારીગરો પુનઃ આવ્યા ત્યારે વધુ 15 દિવસનું વેકેશન આપી દીધું હતું. ત્યાર બાદથી આજ દિન સુધી રત્નકલાકારોને કામે લેવાયા નથી. બેરોજગાર થયેલા રત્નકલાકારો પૈકીના 35 જેટલા કર્મચારીઓ પાસે હાલમાં કોઇ કામ નથી. જેથી ધરણા પર બેસી વિરોધ કરવાની મંજુરી માંગવામાં આવી છે.