વોટ્સએપ પર આવ્યો વિડીયો કોલ અને લાગ્યો 1.94 કરોડનો ચૂનો, જાણો ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો

Digital Arrest: સાયબર ફ્રોડનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં બેંગલુરુમાં રહેતા એક 68 વર્ષીય વૃદ્ધના ફિક્સ ડિપોઝિટમાંથી 1 કરોડ 94 લાખ રૂપિયા (Digital Arrest) છેતરપિંડીથી ઉપાડી લેવામાં આવ્યા છે. આ કિસ્સાએ લોકોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે અને ડિજિટલ સુરક્ષા અંગે સાવચેત રહેવાની તાકીદ કરાવી છે.

વીડિયો કોલથી શરૂ થઈ છેતરપિંડી
30 નવેમ્બરના રોજ આ છેતરપિંડીની શરૂઆત થઈ હતી, જ્યારે પીડિત વ્યક્તિ, જેમનું નામ હર્ષ (બદલેલું નામ) છે, તેમને વોટ્સએપ પર અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવ્યો હતો. આ ઠગો ટોળકીએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી ફોન કરવાનો દાવો કર્યો હતો. તેમણે પોલીસ સ્ટેશન જેવો સેટઅપ પણ બનાવ્યો હતો. આ કારણે હર્ષને ખ્યાલ પણ નહોતો કે તે છેતરપિંડી કરનાર હોઇ શકે છે.

ઠગ ટોળકીએ હર્ષને દાવો કર્યો કે તેમણે 247 એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે અને તેમાંથી એક કાર્ડ તેમનું છે. આ સાથે તેમણે ઉલ્લેખ કર્યો કે, પીડિતનું નામ જાણીતા બિઝનેસમેન નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં છે. ઠગ ટોળકીએ શંકા દર્શાવી કે હર્ષે ગોયલ પાસેથી કમિશન લીધું છે અને તે સીધા ગુનામાં સંડોવાયેલા છે.

ડિજિટલ અરેસ્ટ અને 1.94 કરોડની લૂંટ
હર્ષને ડરાવતી ઠગ ટોળકીએ જણાવ્યું કે તપાસમાં મદદ કરવા માટે તેમને મુંબઈમાં હાજર થવું પડશે અથવા વીડિયો કોલ પર માહિતી આપવી પડશે. આ દરમિયાન ગુંડાઓએ તેમની બેંક ડીટેલ્સ મેળવી હતી. ઉપરાંત, તેમને આ તપાસ વિશે કોઈને પણ કહેવાની મનાઈ કરી હતી. હદ તો ત્યારે થઇ ગઇ કે જ્યારે આ ઠગ ટોળકીએ 1.94 કરોડની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગણી કરી અને તેમના પર જલ્દી જ આ કરવા માટે દબાણ કર્યું. હર્ષે આ રકમ અલગ-અલગ હપ્તામાં ચુકવી દીધી.

આ રીતે રહસ્ય ખુલ્યું
7 ડિસેમ્બરના રોજ હર્ષે આ ઘટના વિશે પોતાની દીકરીને જણાવ્યું. દીકરીએ આ મામલે તપાસ કરી અને તેને જાણવા મળ્યું કે આ એક મોટી છેતરપિંડી તેમના પિતા સાથે થઇ છે. હર્ષે પોતાની દીકરી સાથે મળીને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી હતી.