ઘણી વાર શ્વાન (Dogs)ના આંતકના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે વડોદરા(Vadodara) અને સુરત (Surat)માં ફરી શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. જાણવા મળ્યું છે કે, સુરતમાં ત્રણ જ દિવસમાં બીજી ઘટના સામે આવી છે, જ્યારે વડોદરામાં પણ ઘોડીયામાં સૂતેલી બાળકીને બચકાં ભરતા લોહીલુહાણ કરી નાખી હતી. વડોદરાના સમતા વિસ્તારમાં રખડતા કૂતરાએ બાળકી પર એવો હુમલો કર્યો કે કંપારી છૂટી જાય. બાળકીનું માથું ફાડી નાખ્યા બાદ શ્વાન લાહી ચાટવા લાગ્યું અને માતાએ ભારે જહેમતે દીકરીને બચાવી હતી. શ્વાનોના આતંકના પગલે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
10 બાળકો સહિત 15ને બચકાં ભર્યા:
મળતી માહિતી અનુસાર, શ્વાને 15 જેટલા લોકોને બચકાં ભર્યા હોવાની ઘટના સુરતના માનદરવાજા વિસ્તારમાં આવેલા ખ્વાજા નગરમાંથી સામે આવી છે. 15 લોકોમાં 8થી 10 જેટલા બાળકોનો પણ સમાવેશ થાય છે. સ્કૂલેથી આવતા તેમજ ઘર પાસે રમી રહેલા બાળકોને શ્વાને બચકાં ભર્યા હતા. તેત્જી ઈજાગ્રસ્ત થયેલા બાળકોને તેઓના વાલીઓ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં બાળકોની સારવાર કરાઈ હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
રમતા અને શાળાથી પરત આવતાં બાળકો પર હુમલો:
રમતા તેમજ શાળાએથી પરત ફરી રહેલા બાળકોને શ્વાને બચકા ભર્યા હતા. તેથી આ મામલે મનપામાં જાણ કરવામાં આવી હતી. સુરત કોર્પોરેશન દ્વારા આ પ્રકારે રખડતા કૂતરાઓ ઉપર નિયંત્રણ લાવવું જરૂરી છે. બાળકો માટે આ ખૂબ મોટી ચિંતાઓ ઊભી થઈ રહી છે.
કૂતરાઓને કારણે ભયનો માહોલ:
આ અંગે મંજુરભાઈએ જણાવ્યું કે, સુરતના ભટાર વિસ્તારમાં પણ 3 દિવસ પહેલા પણ 15 જેટલા લોકોને શ્વાને બચકાં ભર્યા હોવાની ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ત્યાં ત્રણ દિવસમાં શ્વાનના બચકાં ભરવાની આ બીજી ઘટના સુરત શહેરમાં સામે આવી છે. આ મામલે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ લોકોએ કરી હતી. આ રીતે આંતક રહેશે તો બાળકોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની જશે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
માતા 5 મિનિટ માટે પાણી ભરવા ગઈ ને કૂતરાએ હુમલો કર્યો:
સુરત ઉપરાંત વડોદરા શહેરમાં પણ શ્વાનનો આંતક સામે આવ્યો હતો. માલતી માહિતી અનુસાર, ગત રોજ 5 મહિનાની બાળકી પર કાળજું કંપાવી દે તેવો હુમલો થયો હતો. સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરના ટેનામેન્ટમાં રહેતા આશિષ ભરતભાઇ ટેલરે જણાવ્યું હતું કે, હું એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. મારી પત્ની મારી 5 મહિનાની દીકરી જાન્વીને ઘરમાં ઘોડિયામાં સૂવડાવીને સાંજે 6 વાગ્યે ઘરની બાજુમાં નળમાં પીવાનું પાણી ભરવા માટે ગઇ હતી. આ દરમિયાન ઘરની જાળી ખુલ્લી રહી ગઇ હતી, જેથી રખડતું કૂતરું ઘરમાં આવી ગયું હતું.
માતાએ પાછા આવીને જોયું તો કૂતરું દીકરીનું લોહી ચાટતું હતું:
આશિષભાઇએ વધુમાં જણાવ્યું હતું કે ઘરમાં આવી ગયેલા કૂતરાએ ઘોડિયામાં ઊંઘી રહેલી મારી માસૂમ દીકરી પર હુમલો કર્યો હતો અને તેનું માથું ફાડી નાખ્યું હતું. પાણી ભરવા ગયેલી મારી પત્ની પાંચ મિનિટમાં તો પાછી આવી ગઇ હતી. ઘરમાં આવી તેણે જોયું તો એ ગભરાઇ જ ગઇ, કારણ કે કૂતરું મારી દીકરીનું લોહી ચાટી રહ્યું હતું. મારી પત્નીએ હિંમત કરી કૂતરાને ભગાડવાની કોશિશ કરી, પરંતુ કુતૂરું ત્યાંથી હટ્યું નહોતું. જેથી મારી પત્ની મારી દીકરીને તેડી ઘરમાંથી બહાર નીકળી ગઇ છતાં પણ કૂતરું તો ઘરમાં જ હતું. 5 મહિનાની બાળકીના માથે 15 ટાંકા આવ્યા છે. હાલ હાલ જાન્વીને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.