ગુજરાત(Gujarat): મહેસાણામાં દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને મોટી ભેટ આપવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો તારીખ 1 જાન્યુઆરીથી દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. એટલે કે, 750 રૂપિયાના બદલે હવે 770 રૂપિયા ચુકવવામાં આવશે. દૂધસાગર ડેરી દ્વારા છેલ્લા 23 મહિનામાં દૂધના ભાવમાં કિલો ફેટે 120 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાથી 5 લાખ પશુપાલકોને સીધો જ લાભ થશે. આ ભાવ વધારાથી મહિને સાત કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને વધુ મળવા પાત્ર થશે.
ભુપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય:
ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. પાણીની અછતના કારણે પાક ન લઇ શકતા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયોમાં નર્મદાના નીર ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના લીધે અઢી લાખ એકર વિસ્તારના ખેડૂતોને ફાયદો થશે. આ એક નિર્ણયથી સૌરાષ્ટ્રના 10 જિલ્લા મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાના જળાશયોમાં નર્મદાનું પાણી મોકલવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે. મહત્વનું છે કે, કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવતા કહ્યું હતું કે, પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના 115 જળાશયો ભરીને 970 કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇનું પાણી પુરૂ પાડવાનો ભુપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં માસ્ક ફરજીયાત પહેરવું પડશે?
ગુજરાતમાં માસ્ક ફરજીયાત કરવા અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલએ જણાવતા કહ્યું હતું કે, કોરોનાથી બચવા જે પણ સાવચેતી રાખવાની જરૂર હોય છે તે તમામ સાવચેતી નાગરીકોએ રાખવી જોઈએ. આ ઉપરાંત સમીક્ષા બેઠક પછી આગળ કેવા પ્રતિબંધો લાદવા તે અંગે પણ આગામી સમયમાં ચર્ચા કરવામાં આવશે. હાલમાં કોઈએ વધારે ચિંતા કરવાની જરુર નથી તેમ આરોગ્યમંત્રીએ જણાવતા કહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.