ભારતીય સ્પેસ પ્રોગ્રામના પિતામહ ગણાતા વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દીની ઈસરો એક વર્ષ સુધી ઉજવણી કરશે. ઈસરોએ દેશના 100 શહેરમાં આખું વર્ષ 100થી પણ વધુ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. વિક્રમ સારાભાઈનો જન્મ 12મી ઓગસ્ટ, 1919ના રોજ અમદાવાદના ઉદ્યોગપતિ પરિવારમાં થયો હતો, જેથી ઈસરો પણ આ ઉજવણી 12મી ઓગસ્ટથી શરૂ કરશે. ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતામહ વિક્રમ સારાભાઈને નાનપણથી જ મશીનોમાં રસ પડતો. કિશોરવયે જ તેમણે ટોય ટ્રેન કિટ પરથી પ્રેરણા લઈને ટ્રેક સાથેની આગગાડી બનાવી હતી, જે આજેય અમદાવાદ સ્થિત કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં જોવા મળે છે.
માતાએ મોન્ટેસરી પદ્ધતિથી ઘરમાં જ શિક્ષણ આપ્યું
ભારતના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદના ધનાઢ્ય ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ અને ગોદાવરી બાના પરિવારમાં 12મી ઓગસ્ટ, 1919ના રોજ વિક્રમ સારાભાઈનો જન્મ. તેમના પિતા સારાભાઈ કુટુંબના વટવૃક્ષની આઠમી પેઢીના વારસ, જેમને વારસામાં જ વિશાળ વેપાર મળ્યો હતો. માતાપિતા મહાત્મા ગાંધીના પણ ચુસ્ત સમર્થક. એ જમાનામાં ગોદાવરી બાએ બ્રિટીશ શિક્ષણવિદ્ મેડમ મોન્ટેસરીથી પ્રભાવિત થઈને બાળકોને પણ ઘરમાં જ શિક્ષણ આપ્યું. વળી, ઘરમાં પણ ઉદ્યોગપતિઓની સાથે ટાગોર, જે. કૃષ્ણમૂર્તિ, મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ, મૌલાના આઝાદ અને સી. વી. રમન જેવા જુદા જુદા ક્ષેત્રોના ધુરંધરોની આવનજાવન, જેની નાનકડા વિક્રમ પર ઘેરી અસર થઈ.
ડો. રમનના માર્ગદર્શનમાં Ph.D
ગુજરાત કોલેજમાં સ્નાતકની પદવી લઈને વિક્રમ સારાભાઈએ ઉચ્ચ શિક્ષણ માટે બ્રિટનની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. જોકે, બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળતા તેઓ ભારત પરત ફર્યા, અને દેશમાં જ પી.એચડી. કર્યું. તેમણે ‘કોસ્મિક રે ઈન્વેસ્ટિગેશન્સ ઈન ટ્રોપિકલ લેટિટ્યુડ્સ’ વિષયમાં થીસિસ લખ્યો અને તેમના ગાઈડ હતા, નોબલ વિજેતા વિજ્ઞાની ડૉ. સી.વી. રમન.
મોડર્ન ભારત માટેનું વિઝન
વિક્રમ સારાભાઈનું 30 ડિસેમ્બર, 1971ના રોજ 52 વર્ષની વયે અવસાન થયું, એ પહેલાં તેમણે ભારતનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ લૉન્ચ કરવાની તૈયારી કરી હતી. આજે આપણને કેબલ ટેલિવિઝનની લક્ઝરી મળી છે, એ માટે પણ તેમનો આભાર માનવો પડે કારણ કે, 1975માં તેમણે નાસા સાથે મળીને સેટેલાઈટ ઈન્સ્ટ્રક્શન ટેલિવિઝન એક્સપિરિમેન્ટ (એસઆઈટીઈ)ની સ્થાપના કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ટેક્સ્ટાઈલ રિસર્ચ કરતી સંસ્થા અટીરા, સેન્ટર ફોર એન્વાયર્મેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી જેવી સંસ્થાઓ થકી દેશના ખરા વિકાસનો પાયો નાંખ્યો. તેઓ આઈઆઈએમના સ્થાપક સભ્યોમાંના પણ એક હતા.
થુમ્બાના ચર્ચને સ્પેસ સેન્ટરમાં પરિવર્તિત કરીને પહેલું રોકેટ લૉન્ચ કર્યું
વિક્રમ સારાભાઈએ 28 વર્ષની ઉંમરે ઈસરોની સ્થાપના કરવા ભારત સરકાર સમક્ષ મજબૂત દલીલો કરી હતી. રશિયાએ સ્પૂટનિક લોન્ચ કર્યો ત્યારે તેમણે ભારત સરકારને કહ્યું કે, ભારત પણ ચંદ્ર પર જઈ શકે છે, અને છેવટે ઈસરોની સ્થાપના થઈ. 21 નવેમ્બર, 1963ના રોજ તેમણે થિરુવનંતપુરમના થુમ્બા ગામના એક ચર્ચની જગ્યાએથી સ્પેસમાં એક નાનકડું રોકેટ મોકલવાનું નક્કી કર્યુંં, જે માટે તેમણે ત્રિવેન્દ્રમના તત્કાલીન બિશપને પણ મનાવી લીધા હતા. એ સ્થળે થુમ્બા ઈક્વેટોરિયલ રોકેટ લૉન્ચ સ્થાપિત કરાયું, જે આજે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર તરીકે ઓળખાય છે.
કલામને પણ તેમણે જ નોકરીએ રાખ્યા હતા
વિક્રમ સારાભાઈએ જ યુવાન અબ્દુલ કલામનો ઈન્ટરવ્યૂ લઈને તેમને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. એટલું જ નહીં, કલામની વિજ્ઞાની તરીકેની શરૂઆતની કારકિર્દીમાં પણ તેમની ભૂમિકા મહત્ત્વની છે. કલામે નોંધ્યું છે કે, મને વિક્રમ સારાભાઈએ ઓળખી લીધો હતો. જોકે, તેનું કારણ હું બહુ ભણેલો હતો એ નહીં, પરંતુ હું ખૂબ મહેનત કરતો હતો, એ હતું. ત્યાર પછી તેમણે મને પૂર્ણ રીતે વિકસિત થવાનું કહ્યું હતું.
… અને અમદાવાદના ઘરમાં શરૂ થયો ઈન્ડિયન સ્પેસ પ્રોગ્રામ
દેશ આઝાદ થતાં જ, 1947માં, ડૉ. વિક્રમ સારાભાઈએ રાત-દિવસ કામ કરીને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી. અમદાવાદના શાહીબાગમાં આવેલા ‘રિટ્રીટ’ બંગલૉના એક રૂમને વિક્રમ સારાભાઈએ ઓફિસમાં ફેરવી દીધો. ત્યાં તેમણે પીઆરએલનું કામ શરૂ કર્યું. આજેય આ સંસ્થા સ્પેસ અને એલાઈડ સાયન્સની અગ્રણી સંસ્થા ગણાય છે. આ સંસ્થા થકી દેશને અનેક મહાન વિજ્ઞાનીઓ મળ્યા છે.
મૃણાલિની સારાભાઈ સાથે લગ્ન કર્યા
વિક્રમે 1942માં ક્લાસિકલ ડાન્સર મૃણાલિની સારાભાઈ સાથે લગ્ન કર્યા, જેના થકી તેમને મલ્લિકા અને કાર્તિકેય એમ બે સંતાન છે.
ચંદ્ર પર સારાભાઈ ક્રેટર
1966માં પદ્મ ભૂષણ, 1972માં પદ્મ વિભૂષણ (મરણોપરાંત) અને 1972માં સરકારે તેમના માનમાં એક ટપાલ ટિકિટ પણ જારી કરી. ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને 1973માં ચંદ્ર પર પડેલા ‘બેસલ એ’ નામના ક્રેટર (ખાડો)ને તેમની યાદમાં ‘સારાભાઈ ક્રેટર’ નામ આપ્યું હતું.