દારૂને કારણે ગામની 20 બહેનો વિધવા બનતા સરપંચે ઢોલ વગડાવીને કહ્યું ‘જો દારૂ પીધો તો આવી બન્યું’

જુનાગઢ(ગુજરાત): ગુજરાત(Gujarat)માં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં કેટલીક જગ્યાએ આ દૂષણ દૂર થયું નથી. તમામ પ્રયાસો છતાં યુવાનો નશામાં ડૂબી રહ્યા છે. આ બધા વચ્ચે…

જુનાગઢ(ગુજરાત): ગુજરાત(Gujarat)માં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં કેટલીક જગ્યાએ આ દૂષણ દૂર થયું નથી. તમામ પ્રયાસો છતાં યુવાનો નશામાં ડૂબી રહ્યા છે. આ બધા વચ્ચે જુનાગઢ(Junagadh)ના એક ગામના સરપંચ દ્વારા દારૂબંધીને લઈને અનોખી પદ્ધતિ અપનાવવામાં આવી છે. સરપંચે ગામમાં ઢોલ વગાડીને દારૂ બનાવતા અને પીતા લોકોને કડક ચેતવણી આપી હતી.

સોશિયલ મીડિયા પર પ્રતિબંધની જાહેરાત કરતો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. નશાબંધીનો કડક અમલ કરાવવા સરપંચના નવતર પ્રયોગને લોકો બિરદાવી રહ્યા છે. આ વિડિયો કયા ગામનો છે તે શોધી કાઢ્યું હતું અને હકીકત જાણવા સરપંચ અને ગ્રામજનો સાથે વાત કરી હતી.

જાણવા મળ્યું છે કે, આ વીડિયો જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પસવાડા ગામનો છે. વીડિયોમાં ઢોલી બોલે છે કે, ‘સાંભળો સાંભળો સાંભળો, આજે તારીખ 8-6-22થી સરપંચનો આદેશ છે કે, ગામમાં કોઈએ દારૂ પીવો નહીં અને દારૂ પાડવો નહીં. જો કોઈ દારૂ પીશે કે દારૂ પાડશે તો સરપંચ કાયદેસર કાર્યવાહી કરશે.’

આ અંગે ગામના સરપંચ જયસિંહભાઈ નગાજી ભાટી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘મારા ગામની અંદર દારૂની પ્રવૃત્તિ બહુ જ પ્રમાણમાં વધી ગઈ હતી. દારૂ પીવાવાળા અને દારૂ ઉતારવાવાળા પણ ઘણા વધી ગયા હતા. મારા ગામની છાપ મિની દીવ તરીકે પડી ગઈ હતી.

આ ઉપરાંત, નાની ઉંમરના યુવાનો દારૂને કારણે મૃત્યુ પામવા માંડ્યા હતા. જેથી તેમના ઘર-પરિવાર કે તેની પાછળની વ્યક્તિઓને હેરાનગતિ અને પરેશાની થતી હતી તેમજ દારૂના કારણે ગામમાં શિક્ષણનો દર પણ ખુબ જ ઘટી રહ્યો હતો. આ બધાં કારણોસર ગામમાં દારૂબંધી અંગે ઢંઢેરો પીટવામાં આવ્યો હતો.’ તેમણે એવું પણ કહ્યું હતું કે, પસવાડા ગીરના જંગલના છેવાડાનું ગામ હોવાથી તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.

જાણવા મળ્યું છે કે, જૂનાગઢથી આશરે 40 કિમી દૂર આવેલા પસવાળા ગામમાં કુલ 700 લોકોની વસતિ છે. મોટા ભાગના લોકો ખેતી પર જ નિર્ભર છે. ગામમાં દારૂનું દૂષણ ઘણું ફેલાયેલું છે. ગામ લોકોના કહેવા મુજબ, દારૂના કારણે ગામની 15 થી 22 મહિલા વિધવા બની ગઈ છે. ફક્ત પસવાળા ગામ જ નહીં, કરિયા, સમતપરા, માલીડા વગેરે ગામોમાં પણ દારૂબંધી ફેલાયેલી છે.

આ અંગે ગામવાસી વીરસિંહ ભાટીએ જણાવ્યું કે, ઢોલ વગાડ્યા પહેલાં ગમે ત્યાં દારૂ મળતો હતો. ગમે ત્યાં દારૂ પીતા હતા અને બધાને હેરાન કરતા. ઢોલ વાગ્યા પછી એ બધું બંધ થઈ ગયું. હવે ગામમાં ઘણી શાંતિ છે. અન્ય ગ્રામીણ ભૂપતભાઇ માવજીભાઇ ઝીલિયાએ જણાવતા કહ્યું કે, તે પહેલાં દારૂ પીતો હતો, પણ ઢોલ વાગ્યા પછી બંધ કરી દીધો છે. આજે સાત દિવસ થયા છે. ગામમાં દારૂ બંધ થયો એ સારું થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *