ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, પરીક્ષા તો લેવામાં નથી આવી, તેમ છતાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે(Gujarat Board of Secondary Education) 7.63 લાખ વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી હતી અને તે પરત આપવામાં નહીં આવતા સ્કૂલ સંચાલકો અને વાલીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણના બનાવો બને છે. લોકડાઉન(Lockdown)ને કારણે બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં ન આવી છતાં પણ 31.53 કરોડ રૂપિયા વિધાર્થીઓ પાસેથી લેવામાં આવ્યા હતા.
અમે તમને જણાવી દઈએ કે, લોકડાઉનમાં કોરોના જેવી મહામારીને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની 17 કરોડ અને ધોરણ-12ની 13 કરોડ કરતા વધુની પરીક્ષા ફી ઉઘરાવવામાં આવ્યા પછી પરીક્ષા લીધા વગર જ બધા વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા હતા. સરકાર દ્વારા પરીક્ષા લેવાઇ જ નથી તો ફી પાછી નહીં આપવાનું કારણ શું છે તેવા સવાલો હાલમાં વાલીઓ કરી રહ્યાં છે જેના કારણે હવે સ્કૂલ સંચાલકો હેરાન- પરેશાન બની ગયા છે.
આપણે સૌ જાણીએ છીએ કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાની પાછળ મોટા ભાગનો ખર્ચ થતો હોવાથી શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી લેવામાં આવે છે અને આ લેવામાં આવતી ફીની આવકમાંથી બોર્ડ દ્વારા પરીક્ષાનો ખર્ચો કાઢવામાં આવે છે. જોકે, સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ કરેલી હોવાને કારણે માત્ર વિદ્યાર્થીઓ પાસેથી જ બોર્ડ દ્વારા પરીક્ષા ફી લેવામાં આવે છે.
આ દરમિયાન 2021માં ધોરણ-10 અને ધોરણ- 12ના વિધાર્થીઓની બોર્ડની પરીક્ષાને લઈ ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી અને શાળાઓએ વિદ્યાર્થીઓના ફોર્મ ભરી ફીની રકમ પણ બોર્ડમાં જમા કરાવી દીધી હતી.
પરંતુ તે વખતે કોરોના જેવી ભયંકર બીમારીના કારણે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાના બદલે સમગ્ર વર્ષ દરમિયાન લેવામાં આવેલી પરીક્ષાના મુલ્યાંકનના આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યા હતા. જેથી 2021માં બોર્ડની પરીક્ષા વગર જ તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા હતા. જેથી પરીક્ષા લેવામાં આવી ન હોવા છતાં પણ બોર્ડ પાસે વિદ્યાર્થીઓની ફીની રકમ જમા હોવાનું સામે આવ્યું છે.
કોરોના મહામારીના કારણે માર્ચ-2021માં બોર્ડની પરીક્ષા લેવામાં આવી ન હોવાથી બોર્ડની ઉત્તરવહીઓ, મુલ્યાંકનકારોને ચૂકવવામાં આવતા મહેનતાણા, બોર્ડ કેન્દ્રો પરના વાહન વ્યવહારના થતા ખર્ચાઓ, કેન્દ્રો માટે કરવામાં આવતા ખર્ચાઓ અને આ સિવાય ફ્લાઈંગ સ્કવોડના ભાડા ભથ્થાની બચત થયેલી રકમનો સરવાળો કરવામાં આવે તો વિદ્યાર્થીઓની ફીની 80 ટકા જેટલી રકમ બોર્ડ પાસે હજુ સુધી જમા છે. જેથી બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની આ રકમ પરત કરવામાં આવે તે પ્રકારની માંગ વિધાર્થીઓ અને વાલીઓમાં જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.