મુંબઈ(Mumbai): ઇલેક્ટ્રિક બાઇક (Electric bike)માં આગ(fire) લાગવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. ત્યારે હાલ ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ફાટવાની ચકચારી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, વસઈ પૂર્વના રામદાસનગર (Ramdasnagar)માં આ ઘટના બની હતી. જ્યાં ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ઘરમાં ચાર્જ કરવા મૂકી હતી ત્યારે અચાનક ફાટી હતી. તેને કારણે ઘરમાં આગ લાગી ગઈ હતી અને તેમાં 7 વર્ષીય બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સારવાર દરમિયાન બાળકે દમ તોડ્યો:
મળતી માહિતી અનુસાર, માતા-પિતા અને બાળક વસઈ પૂર્વના રામદાસ નગરમાં રહે છે. આ દરમિયાન 23 સપ્ટેમ્બરના રોજ સવારે 2.30 વાગ્યે પિતાએ ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી કાઢીને તેને ચાર્જ કરવા માટે હોલમાં લગાવી હતી. ત્યારબાદ તે બેડરૂમમાં ઊંઘવા માટે ગયો હતો. આ દરમિયાન સવારે 5 વાગ્યાના અરસામાં હોલમાં જોરદાર ધડાકો થયો હતો અને હોલમાં આગ લાગી ગઈ હતી.
આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે, તે બેડરૂમની બહાર આવે ત્યાં સુધીમાં તો માતા સાથે ઊંઘેલા બાળકને આગે ચપેટમાં લઈ લીધો હતો. આ ઘટનાને પગલે તે ખૂબ ગંભીર રીતે દાઝી ગયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હતુ. સાત વર્ષીય બાળકના મોત પછી વસઈ માણિકપુર પોલીસ એડીઆર અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હું હોલમાં આવ્યો ત્યારે આગ લાગી ગઈ હતી: પિતા
આ અંગે મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, મેં 23 તારીખે સવારે 2.30 વાગ્યે ઇલેક્ટ્રિક બાઇકની બેટરી કાઢીને ઘરના હોલમાં ચાર્જ કરવા માટે લગાવી હતી. બાઇકની બેટરી ચાર્જ થતા 3થી 4 કલાકનો સમય લાગે છે. તેથી હું બેટરી ચાર્જમાં મૂકી ઊંઘવા જતો રહ્યો હતો. ત્યારે અચાનક સવારે 5 વાગ્યે જોરદાર ધડાકો સંભળાયો હતો. હું ધડાકાનો અવાજ સાંભળતા જ દોડતો દોડતો હોલમાં આવ્યો હતો અને જોયું તો આગ લાગી ગઈ હતી. હોલમાં સિલિંગ ફેન જમીન પર પડ્યો હતો.
ત્યારબાદ મેં તાત્કાલિક મારા બાળક અને માતાને ઘરની બહાર કાઢ્યાં હતા. ત્યાં સુધીમાં મારો બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. જેમની પાસે ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇક છે તેમને એક વિનંતી કરવા માગીશ કે, કોઈપણ વ્યક્તિ ઘરમાં બેટરી ચાર્જ કરવા ના મૂકે. માસૂમનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.