સમગ્રે દેશમાં ઇમરજન્સીમાં આપાતકાલમાં મદદ માટે એક જ સહાયતા નંબર 112 અમલી થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી સહાયતા નંબર 112ની સેવાઓનો કરાવ્યો. વિજયભાઇએ આ વ્યવસ્થા સમગ્ર દેશ માટે એક સમાન કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને જનહિતલક્ષી મહત્વપૂર્ણ વહિવટી નિર્ણય ગણાવતાં કહ્યું કે GSTને જેમ વન નેશન વન ટેક્ષ તરીકે સ્વીકૃતિ મળી છે તેમ આ 112 નંબર પણ વન નેશન વન હેલ્પલાઇન બનશે.
ગુજરાતમાં પ્રારંભિક તબક્કે 7 જિલ્લાઓમાં આ 112 હેલ્પલાઇન સેવા કાર્યરત કરવામાં આવી છે. શરૂઆતના તબક્કે ઇમરજન્સી સેવાના અન્ય નંબરો 101, 108, 100, 1962, 189 યથાવત રહેશે અને સમયાંતરે તેને 112 જોડે ભેળવી દેવાશે. બધી જ સેવાઓ માત્ર ૧૧ર નંબર એક જ નંબર પરથી ઉપલબ્ધ થવાથી નાગરિકોને પણ આપત્તિના સમયે મદદ સહાયમાં સરળતા રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ ૧૧ર ઇન્ટીગ્રેટેડ સેવા સાથે જોડાયેલા અભયમ હેલ્પલાઇન, ફાયરબ્રિગેડ, 112 એમ્બ્યુલન્સના વાહનોને પ્રસ્થાન પણ કરાવ્યું.
સમગ્ર દેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ નેશનલ ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર-112નો નવી દિલ્હી ખાતેથી રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ પ્રથમ તબક્કે નવરચિત ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા-ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગર એમ 7 જિલ્લામાં તા.24 જાન્યુઆરી-2019ના રોજ 112 તત્કાલિન હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવશે તેમ રાજ્ય ગૃહ મંત્રી જાડેજાએ કહ્યું હતું.