29થી 2 જુલાઇ સુધી ગુજરાતભરમાં ‘અતિ ભારે’ વરસાદની આગાહી, અંબાલાલ પટેલે કરી આગાહી

Ambalal Patel Heavy Rain Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ(Ambalal Patel Heavy Rain Forecast) દ્વારા રાજ્યમાં બારે મેઘ ખાંગા થાય તેવા વરસાદની આગાહી કરાઈ છે. એક સાથે ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આજથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં પૂરનું સંકટ આવી શકે છે. તેમણે કહ્યું કે, અરબી સમુદ્ર અને ઓડિસાથી આવતો ભેજ અને સાયક્લોનિલ સર્ક્યુલેશ એક થતા અતિભારે વરસાદની આગાહી છે. જે મુજબ 30 જૂને સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે, તો 30 જૂન અને 1 જુલાઈએ અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે
1 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ 5 જુલાઈએ વધુ એક સિસ્ટમ બનશે જેનાથી દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, ઉપરાંત નદીઓમાં પણ પૂર આવી શકે છે.

અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે
સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે. તેમજ વડોદરા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

ખેડૂતો માટે સારા સમાચાર
અંબાલાલ પટેલે આગાહી કરી છે તે પ્રમાણે આગામી સમયમાં ખેડૂતો માટે સારા રહી છે, આ વર્ષે ઘણાં આગાહીકારો દ્વારા રાજ્યમાં ચોમાસું સારું રહેવાની અગાઉ વાત કરવામાં આવી છે. જેમાં અંબાલાલે 29 જૂન પછી ચોમાસું રમઝટ બોલાવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે.