રાજકોટમાં રાહદારીને બચાવવા જતા ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત, પિતા-પુત્રનું એકસાથે મોત થતાં પરિવારજનોનું હૈયાફાટ રુદન

Published on Trishul News at 12:46 PM, Mon, 29 January 2024

Last modified on January 29th, 2024 at 12:47 PM

Rajkot Accident: રાજકોટ શહેરમાંથી આજે રોજ એક ગોઝારી દુર્ઘટના સામે આવી છે. રાજકોટના(Rajkot Accident) સામા કાંઠા વિસ્તારમાં આવેલા સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બાઈક સવાર પિતા પુત્રના મૃત્યુ ઘટના સ્થળ પર જ નીપજ્યા છે. શૈલેષ પરમાર અને અજય પરમાર નામના પિતા પુત્રનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

પિતા-પુત્રનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું
બનાવની વિગત મુજબ આજે વહેલી સવારે રાજકોટના સંત કબીર રોડ પર સદગુરુનગર, ગોકુલ પાન વાળી શેરીમાં રહેતા શૈલેષભાઈ મગનભાઈ પરમાર (ઉ.વ.49, રહે. સંત કબીર રોડ, સદગુરુ) અને તેમનો પુત્ર અજય (ઉ.વ.25) બાઈક પર નીકળ્યા હતા. શૈલેષભાઇની ભત્રીજીના લગ્ન હોવાથી લગ્નની નાની મોટી ખરીદી કરવા માટે પિતા પુત્ર નીકળ્યા હતા. ઘરની શેરીથી થોડે આગળ સંત કબીર રોડ પર રામાપીર મંદિર પાસે પુર પાટ ઝડપે આવતા ટેન્કરે બંન્ને પિતા પુત્રને બાઈક સહિત હડફેટે લીધા હતા.

ત્યારે બનાવમાં ટેન્કરના વ્હિલના જોટા નીચે આવી જતા શરીરનો છૂંદો થઈ ગયો હતો. પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. શરીરના કટકા ભેગા કરી પોલીસે પીએમ અર્થે ખસેડયા હતા. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થયા હતા. મૃતકના પરિવારને જાણ થતાં સ્થળ પર દોડી આવેલા પરિવારજનોએ કલ્પાંત મચાવ્યો હતો. શૈલેષભાઈને સંતાનમાં બે પુત્રો છે. પુત્ર અજય સુરત રહે છે. એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરે છે.

પિતા-પુત્રની લાશને પીએમ અર્થે ખસેડ્યા
સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર પિતા પુત્રના સ્થળ પર જ મૃત્યુ નીપજયાની જાણ બી ડિવિઝન પોલીસને થઈ હતી. જેથી તાત્કાલિક અસરથી રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ નો કાફલો તેમજ ટ્રાફિક એસીપી જે. બી. ગઢવી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિક પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતક પિતા પુત્રોની લાશને પીએમ અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.તેમજ આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.

બહેનના લગ્નમાં આવ્યો હતો ભાઇ
સંત કબીર રોડ સદગુરુ સોસાયટી શેરી ન-2 માં રહેતા પ્રજાપતિ પરિવારમાં દુઃખની લાગણી છવાઇ છે. મૃતક શૈલેષભાઈ પરમાર સંત કબીર રોડ પર પોતાના ઘરે જ ચેઇન કટીંગ કરીને મજૂરી કામ કરતા હતા. મૃતક અજય પરમાર સુરત એલ.એન.ટીમાં નોકરી કરતો હતો. કૌટુંબિક બહેનના લગ્ન હોવાના કારણે અજય પરમાર સુરતથી રાજકોટ આવ્યો હતો.

આ ઘટનાના પગલે પરમાર પરિવારનો આજનો દિવસ એક કાળમુખો દિવસ બની ગયો છે.આજે આ પરિવારનો સૂર્ય આઠમી ગયો છે.જેથી આ પરિવારના સભ્યો હાલ ઘેર શોકમાં ગરકાવ થયા છે.