બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan) એક જાહેરાતને લઈને વિવાદમાં ફસાઈ ગયા છે. આ જાહેરાત એક ખાનગી બેંકની છે, જેમાં તેની સાથે અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) પણ જોવા મળી રહી છે. જેમાં આમિર ખાન લગ્ન પછી દુલ્હનના ઘરમાં પ્રવેશવાને બદલે ઘર જમાઈના રૂપમાં સાસરિયાના ઘરમાં પ્રવેશતો જોવા મળે છે.
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ જાહેરાત સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે આવી જાહેરાતોથી સમાજના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે. આમીર ખાનને આવું કરવાની મંજૂરી નથી. મને આ અંગે ફરિયાદ મળી હતી. જ્યારે મેં આ જાહેરાત જોઈ ત્યારે મને પણ ખોટું લાગ્યું હતું.
બુધવારે ભોપાલમાં મીડિયા સાથેની ચર્ચામાં ગૃહમંત્રી મિશ્રાએ કહ્યું હતું કે, મને ફરિયાદ મળી છે. આ પછી મેં એક ખાનગી બેંક માટે આમિર ખાનની આ જાહેરાત પણ જોઈ છે. હું આમિર ખાનને વિનંતી કરું છું કે તે ભારતીય પરંપરાઓ અને રીતરિવાજોને ધ્યાનમાં રાખીને જ જાહેરાત કરે.
આમિર ખાનના આવા અનેક કિસ્સાઓ ભારતીય પરંપરા, રિવાજો અને દેવી-દેવતાઓ વિશે આવતા રહે છે. વાંકીચૂકી રીતે કામ કરવાથી ચોક્કસ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચે છે. કોઈને પણ કોઈ પણ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું અધિકાર નથી.
આ એડમાં આમિર અને કિયારા એક નવા પરિણીત કપલ તરીકે જોવા મળી રહ્યા છે. આમિર કિયારાને કહે છે કે, ‘આ પહેલીવાર છે જ્યારે વિદાયમાં દુલ્હન રડતી ન હોય.’ જાહેરાતમાં સામાન્ય રીત રિવાજોથી અલગ, વર કન્યાના બીમાર પિતાની સંભાળ લેવા માટે કન્યાના ઘરે જાય છે. આ દરમિયાન જે રીતે દુલ્હન રિયલ લાઈફમાં ઘરમાં પહેલું પગલું ભરે છે, એ જ રીતે આ એડમાં આમિર ઘરમાં પહેલું પગલું ભરીને ઘરમાં પ્રવેશ કરે છે. બધા મહેમાનો આમિરને ધામધૂમથી આવકારે છે. આ કારણે યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે અને સામાજિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની વાત કરી રહ્યા છે.
સંસ્કૃતિ બચાવો મંચે પણ આમિર ખાનની આ જાહેરાત પર નારાજગી વ્યક્ત કરી છે. મંચના પ્રમુખ ચંદ્રશેખર તિવારીએ કહ્યું કે, હું આમિર ખાનને પૂછવા માંગુ છું કે તમે માત્ર હિંદુ ધર્મના રીતરીવાજો બદલવાનો કોન્ટ્રાક્ટ લીધો છે. દેવી-દેવતાઓનું અપમાન કરવું, હિંદુ ધર્મને ઠેસ પહોંચાડવી, એ જ તમારો હમેશા ઉદ્દેશ્ય હોય છે. હિંદુ ધર્મમાં માતૃશક્તિને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવ્યું છે. સ્ત્રીનું સન્માન કરવામાં આવે છે. તેથી જ ગૃહપ્રવેશમાં પણ પુત્રવધૂનું પહેલું પગથિયું આપણા ઘરમાં પ્રવેશે છે અને તમે એ પ્રથા બદલવાના પ્રયાસની વાત કરો છો. સંસ્કૃતિ બચાવો મંચ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ આમીર ખાનની આ જાહેરાતનો વિરોધ કર્યો છે. હવે મધ્યપ્રદેશના ગૃહમંત્રી મિશ્રાનું નિવેદન પણ સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.