રાજકોટમાં ટ્રાફિક પોલીસ જવાન અને યુવક વચ્ચે દંગલ- એક લાકડી તો બીજો પથ્થર લઈને… જુઓ વિડીયો

રાજકોટ(Rajkot): શહેરમાં ટ્રાફિક પોલીસ (Traffic Police) અને જનતા વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઇ હોય તે પ્રકારના અનેક વિડીયો અવારનવાર સામે આવતા રહેતા હોય છે, ત્યારે હવે વધુ એક વિડીયો (Viral Video) સોશિયલ મીડિયા (Social media)માં વાયરલ થયો છે. જેમાં રાજકોટ ટ્રાફિક શાખા (Rajkot Traffic Police)માં ફરજ બજાવી રહેલા હેડ કોન્સ્ટેબલ અને એક યુવાન વચ્ચે મોટા પાયે મારામારી થઇ હતી. જેમાં એક યુવાન લાકડી વડે ટ્રાફિક જવાન (Traffic Jawan)ને માર મારતો દેખાઈ રહ્યો છે. તો સામે પોલીસ જવાન પણ યુવાનને બેફામ માર મારતો હોવાનું વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટનામાં પોલીસ દ્વારા બીજા દિવસે બે યુવકો સામે ફરજમાં રુકાવટ સહિતની કલમો હેથળ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના ગોંડલ રોડ પર રાજકમલ ફાટક પાસે ફરજ બજાવી રહેલા ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ લખન ભરવાડ અને એક યુવાન વચ્ચે બોલાચાલી બાદ સામ સામે મારામારી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળતા દ્રશ્યો અને સંભળાતા શબ્દો મુજબ ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કરી યુવકે પોલીસને ગાળો આપતા મામલો વધુ બીચકયો હતો. ત્યારબાદ બન્ને વચ્ચે છુટાહાથની મારામારી થવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. યુવક ટ્રાફિક જવાનને લાકડી વડે બેફામ માર મારતો જોવા મળી રહ્યો છે. તો બીજા વિડીયોમાં યુવકની પાછળ પોલીસ જવાન મોટો પથ્થર લઇને મારવા દોડતો જોવા મળે છે. એટલું જ નહીં ખૂબ લાંબો સમય સુધી બન્ને વચ્ચે બોલાચાલી અને મારામારીના આ દ્રશ્યો સર્જાયા હતા.

આ બાબતે યુવકે આક્ષેપ કરતા કહ્યું છે કે, પોલીસ જવાને રૂપિયાની માંગણી કરી હતી અને રૂપિયા ન આપવામાં આવતા ઉશ્કેરાઈ જઈને ગાળો આપી તેને બેફામ માર મારવામાં આવ્યો છે. આંગળી ભાંગી નાખી તેવું પણ વિડીયોમાં યુવક દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલાને લઈને રાજકોટ શહેર ટ્રાફિક એસીપી ગઢવી દ્વારા વાઇરલ વિડીયો અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ બાદ બીજા દિવસે બન્ને યુવક વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

આ અંગેની ફરિયાદમાં હેડ કોન્સ્ટેબલ લખનભાઇ સુસરાએ જણાવતા કહ્યું છે કે, ગઇકાલે હું મારી ફરજ પર હાજર હતો. ત્યારે ડબલ સવારીમાં બે યુવાન ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં સિગ્નલ તોડી આગળ જઈ રહ્યા હતા અને  તેને અટકાવી તેમની પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સની મારા દ્વારા માંગણી કરવામાં આવી હતી. જેમાં વાહન ચલાવી રહેલા યુવાન પાસે લાયસન્સ નહીં હોવાથી મેં દંડ ભરવા માટે કહ્યું હતું. જેના કારણે તે ઉશ્કેરાઈ ગયો હતો અને મને ગાળો આપી નજીકમાં પડેલ લાકડાના ધોકા વડે મને માર મારવા લાગ્યો હતો અને મારો મોબાઈલ ફોન પણ લઈને ફેંકી દીધો હતો. આમ મારી ફરજમાં રુકાવટ તેમજ મને માર મારવા બદલ મેં બન્ને યુવાન નાગજી ગઢવી અને કરણ સામે ફરિયાદ દાખલ કરી છે.

ભક્તિનગર પોલીસ દ્વારા હેડ કોન્સ્ટેબલની ફરિયાદ પરથી આરોપી યુવાન નાગજી ગઢવી તેમજ કરણ સામે IPC કલમ 322, 323, 337, 504, 506, 427, 114 તથા જીપીએકટની કલમ 135(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *