છેલ્લા ઘણા દિવસોથી ડૂબી જવાને કારણે મોત થયા હોય, તેનો આકડો ખુબ જ વધતો જણાઈ રહ્યો છે. ત્યારે હાલ વધુ એક દુર્ઘટનાના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, સુરેન્દ્રનગર (Surendranagar)માં એક જ સાથે 5 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. ધાંગધ્રા(Dhangdhra) પાસે તળાવમાં ડૂબવાથી બાળકોના મોત થયા છે.
ધ્રાંગધ્રામાં તળાવમાં ડૂબવાથી 5 બાળકોના મોત:
મળતી માહિતી અનુસાર, આ પાંચ બાળકો મેથાન-સરવાળ વચ્ચે તળાવમાં ન્હાવા પડ્યા હતા અને પાણીના વ્હેણમાં આ પાંચેય બાળકો કાળનો કોળિયો બની ગયા. મોજ મસ્તી કરતા બાળકોને કદાચ સ્વપ્નેય ખ્યાલ નહી હોય કે હવે તેઓ પાંચેય જણા સાથે ક્યારેય નહી મળી શકે. આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારમાં ચાર દીકરી અને એક દીકરાનો સમાવેશ છે.
મોજ મસ્તીમાં તેઓ તળાવમાં ન્હાવા તો પડ્યા, પરંતુ વરસાદને કારણે તળાવમાં વધારે પાણી હોવાથી પાંચેય બાળકો તણાઇ ગયા. ઘટનાને પગલે પરિવાર માથે આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ફાયર અને તરવૈયાની ટીમની મદદથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. એકસાથે પાંચ બાળકોના મોતને લઇને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.