ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર રાજ્ય સરકાર દ્વારા અને અલગ અલગ શહેરના પ્રશાસન દ્વારા બણગા ફૂંકવામાં આવતા હોય છે કે, બાળકો આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે અને બાળકોને ભણાવવા ખુબ જરૂરી છે. ત્યારે આ અંગે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવે છે. તેમ છતાં પણ અમુક એવા કિસ્સાઓ સામે આવે છે જેને લઈને એક સવાલ તો ચોક્કસ ઉદભવે છે, કે બાળકો આવી તો કેવી રીતે ભણશે?
સુરત(Surat)ની જ વાત કરવામાં આવે તો ડુંભાલ(Dumbhal)માં એક જ મકાનમાં મહાનગર પાલિકાની પાંચ શાળાઓ ચાલી રહી છે. સુરત મહાનગર પાલિકાના શિક્ષણ સમિતિના આપના સભ્ય રાકેશ હીરપરાએ કહ્યું છે કે, ડુંભાલમાં 20 ઓરડાના એક જ મકાનમાં બે પાળીમાં કુલ 5 શાળાઓ ચાલે છે જેમાં કુલ 3100થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેને કારણે શિક્ષણ પ્રત્યેની સરકારની ઉદાસીનતા અને દીર્ઘદૃષ્ટિના અભાવનું આ એક વધુ ઉદાહરણ હોય તેવું રાકેશ હિરપરાએ જણાવ્યું છે.
એક જ મકાનમાં ખડકી દેવામાં આવેલ પાંચ શાળાઓમાં ચાણક્ય પ્રાથમિક શાળા, અવિનાશ વ્યાસ પ્રાથમિક શાળા, નાનાસાહેબ પેશવા પ્રાથમિક શાળા, શ્રી લાલબહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા અને સંત તુલસીદાસ પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે અને આ 5 શાળાઓમાં કુલ 3100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
વધુમાં તેમણે જણાવતા કહ્યું છે કે, શાળાના મકાનનું બાંધકામ જો વ્યવસ્થિત કરવામાં આવે તો મકાનને લાંબા સમય સુધી કોઈ તકલીફ ન પડે પણ મોટાભાગની શાળાઓના મકાનો બહુ જ ઝડપથી જર્જરિત થઇ રહ્યા છે અને એની સામે સરકાર પાસે કોઈ વ્યવસ્થા નથી એટલે મકાન જજર્રિત થતાં બાળકોને અન્ય મકાનમાં સ્થળાંતરિત કરી દેવામાં આવે છે. બાંધકામમાં થતો ભ્રષ્ટાચાર બંધ કરવામાં આવે અને અગમચેતી વાપરીને જો આગોતરી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે તો બાળકો અને શિક્ષકોને આટલી તકલીફો ન વેઠવી પડે.
ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઉદભવી રહ્યા છે. શું એક જ મકાનમાં 5 શાળાઓ ખડકી દેવાથી સુરત બની જશે સ્માર્ટ સીટી? એક જ મકાનમાં પાંચ શાળાઓ ચાલતી હોવાથી પ્રશાસન સામે પણ અનેક સવાલો ઉદભવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.