સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે નવલા નોરતાં પર પ્રથમ ત્રણ દિવસ વરસાદની ભારે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે અમદાવાદ અને વડોદરાના ગરબા આયોજકોએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબમાં પ્રથમ બે દિવસના ગરબાનુ આયોજન રદ કરાયુ છે. જ્યારે વડોદરામાં પણ પહેલા નોરતા એટલે કે આવતીકાલના ગરબાનું આયોજન રદ કરાયુ છે.એટલુ જ નહી જો વરસાદી માહોલ યથાવત રહેશે તો બીજા અને ત્રીજા નોરતામાં પણ વડોદરામાં ગરબા રદ થઈ શકે છે. હવામાન વિભાગે તો પ્રથમ ત્રણ નોરતા સુધી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. પરંતુ આવનારા પાંચ તારીખ સુધી મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડી શકે તેવી પૂરે પૂરી શક્યતા છે.
ઠેર-ઠેર શરૂઆતમાં બુકીંગ થઇ ચુક્યા છે.
ભાદરવો માસ પૂરો થવા આવ્યો છતાં હજુ પણ આગામી દિવસોમાં પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું પ્રભુત્વ યથાવત્ રહે તેવી પૂરે-પૂરી સંભાવના છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી છે. નવરાત્રિને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે ત્યાં આયોજકો ચિંતામાં મૂકાઈ ગયા છે. હવામાન વિભાગે નવરાત્રિમાં પણ વરસાદ પડવાની આગાહી આપી છે. ખાનગી પાર્ટીપ્લોટોએ એડવાન્સમાં ટીકિટો બુક કરી દીધી છે. હવે સ્થિતિ કફોડી બની છે. ગુજરાતમાં સૌથી મોટુ આયોજન થાય છે એ સરકારી ગરબાનું મેદાન પણ તળાવ બની જતાં અધિકારીઓ દોડાદોડી કરી રહ્યાં છે. આ વર્ષે ખેલૈયાઓએ ચાલુ વરસાદે ગરબા કરવા પડે તેવી સ્થિતિ છે.
ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યું છે કે, ‘ આ વખતે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. સૌરાષ્ટ્ર અને તેને સંલગ્ન ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત શનિવારથી સૌરાષ્ટ્ર અને આસપાસ લો પ્રેશર એરિયા સર્જાઇ શકે છે અને તે આગામી ૪૮ કલાકમાં વધુ સક્રિય થશે. આ સ્થિતિને પગલે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્રના જામનગર-ભાવનગર-અમરેલી-ભાવનગર, ઉત્તર ગુજરાતના ગાંધીનગર-ખેડા-અમદાવાદ-આણંદમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ‘ આમ, નવરાત્રિના પ્રારંભિક નોરતાંમાં વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તેની પૂરી સંભાવના છે.
આવનારા પાંચ-છ દિવસ કયા-ક્યા જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી ?
28 સપ્ટેમ્બર : ધોધમાર વરસાદ : ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ. સામાન્ય વરસાદ : બનાસકાંઠા, પાટણ, વડોદરા,ભરૃચ, સુરત, નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ, કચ્છ.
29 સપ્ટેમ્બર : ધોધમાર વરસાદ : બનાસકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ. સામાન્ય વરસાદ : મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ.
30 સપ્ટેમ્બર : ધોધમાર વરસાદ : બનાસકાંઠા, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ. સામાન્ય વરસાદ : પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ.
1 ઓક્ટોબર : ધોધમાર વરસાદ : આણંદ, વડોદરા. સામાન્ય વરસાદ : બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ.
2 ઓક્ટોબર : ભારે : નવસારી,વલસાડ, દમણ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.