સુરતીઓ માટે વધુ એક વિમાનની ભેટ, હર્ષ સંઘવી અને CR પાટીલે ચાર્ટડ પ્લેન‘‘દેવ વિમાન’’ને આપી લીલી ઝંડી

Flight on chartered plane “Dev Vimana”: સુરત એરપોર્ટ ખાતેથી ગૃહરાજ્ય રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા સાંસદ સી.આર.પાટીલના હસ્તે સુરતની વેન્ચુરા એરકનેક્ટના નવા ચાર્ટડ પ્લેન ‘‘દેવ વિમાન’’ને લીલી ઝંડી(Flight on chartered plane “Dev Vimana”) આપી પ્રસ્થાન કરાયું હતું. આ પ્રસંગે વેન્ચુરા એરલાઇન્સના મેન્ટર સવજીભાઈ ધોળકિયા, લવજીભાઈ બાદશાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકારના આંતરરાજ્ય વિમાન સેવાના પ્રોજેક્ટમાં સેવા પૂરી પાડવા વધુ એક વિમાનની ફાળવણીથી ગુજરાત રાજ્યની દુરંદેશી પૂર્વકની પ્રજાલક્ષી યોજનાઓ અંતર્ગત સુરતની વેન્ચુરા એરકનેક્ટ અને ગુજસેલ વચ્ચે થયેલા કરાર મુજબ વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરત થી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી વચ્ચે દૈનિક હવાઈ સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં વધુ એક ચાર્ટડ પ્લેનનો ઉમેરો થવાથી રાજ્યના નાગરિકો વધુ સારી અને ઝડપી હવાઈ મુસાફરીનો આનંદ માણી શકશે.

આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ લિ.તા.૧ જાન્યુ.૨૦૨૨ થી ૯ સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી તથા સાંજના સમયે સુરતથી અમદાવાદ એમ પાંચ સેક્ટર પર બે ચાર્ટડ પ્લેન દ્વારા દૈનિક ધોરણે ફ્લાઈટ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરારના ભાગરૂપે આ પ્રકારના હવાઈમાર્ગ પર હવાઈસેવા પૂરી પાડવા માટે દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના પ્રજાલક્ષી અભિગમના કારણે અને વેન્ચુરા એરલાઇન્સની જનહિતના વિચારધારાને કારણે રાજ્યમાં આ સેવા કોઈ પણ પ્રકારના અડચણ વિના વર્ષ ૨૦૧૬ થી અવિરતપણે ચાલી રહી છે. વેન્ચુરા દ્વારા ચલાવવામાં આવી રહેલ સેવામાં મુકેલ વિમાનોમાં ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરે છે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થાય છે.

રાજ્ય સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થાય જ છે પરંતુ તેની સાથોસાથ ઉદ્યોગો અને પ્રવાસનને પણ મોટો લાભ થઈ રહ્યો છે. છેલ્લા ૨૦ મહિના દરમિયાન અંદાજે ૪૦,૦૦૦થી વધુ મુસાફરોએ આ હવાઈ સેવાનો લાભ મેળવ્યો છે.

વેન્ચુરા એરલાઇન્સના સવજીભાઈ ધોળકિયાના જણાવ્યું હતું કે, સુરતથી જયારે અન્ય જિલ્લાઓમાં કોઈ પણ એરલાઇન્સની સેવા મળતી ન હતી તેવા સમયે સુરતના ઉદ્યોગકારોને આવવા-જવાની સરળતા રહે તેવા આશયથી ૨૦૧૪માં બીજ વાવ્યું હતું જેના ફળ આજે સમગ્ર સુરત અને રાજયને મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *