નાણાવટની ધારીથી લઈને ડુમસના ભાજીયાએ આ વર્ષે સુરતના વેપારીઓને કરાવ્યો 380 કરોડથી વધુનો વેપાર

સુરત (Surat)ની વાત આવે એટલે પહેલા તો ત્યાનું જમવાનું યાદ આવે. આના પરથી તો એક કહેવત પણ ખુબ જ ફેમસ છે, ‘સુરતનું જમણ અને કાશીનું…

સુરત (Surat)ની વાત આવે એટલે પહેલા તો ત્યાનું જમવાનું યાદ આવે. આના પરથી તો એક કહેવત પણ ખુબ જ ફેમસ છે, ‘સુરતનું જમણ અને કાશીનું મરણ….’ આ કહેવત પડવાનું મુખ્ય કારણ એ છે કે, સુરતી ભોજનમાં તમામ સ્વાદરસિયાઓને લગતું કંઈક ને કંઈક મળી જ રહે છે. સુરતના ઘણા વિશ્વવિખ્યાત વિસ્તારોમાં આ ફેમસ સુરતી વાનગીઓ (Surati dishes)નો વર્ષે 380 કરોડથી પણ વધુનો વેપાર થઈ રહ્યો છે. જેમાં આલુ પૂરી, ખમણ-લોચો, નાનખટાઈ, સમોસા, ઊંધિયું, સેવ ખમણી, ઘારી-ભૂસું, પોંક-વડા, રસાવાળા ખમણ, ખાજા, ખાવસા સુધી દરેકનો સમાવેશ થાય છે.

લાલ દરવાજા,ગોપીપુરા : લોચો અને ખમણી:
સુરતીઓને સવાર પડતાની સાથે જ લોચાની યાદ આવે છે. લોચા વગર તો સુરતીઓનો સવારનો નાસ્તો અધૂરો છે. લોચામાં પણ બટર, સિઝવાન, ઇટાલિયન લોચો જેવી ઘણી વેરાયટીઓ છે. આ સિવાય અહી સેવ-ખમણી પણ ખુબ જ પ્રખ્યાત છે. લાલદરવાજા, ગોપીપુરા અને ભાગળ વિસ્તારનો લોચો ખુબ જ પ્રખ્યાત છે. ખાવાના શોખીન સુરતીઓ વર્ષે 5થી 7 કરોડનો લોચો ખાય છે. અને આની કમાણી વર્ષે લગભગ 9 કરોડ રૂપિયા જેટલી નોંધવામાં આવે છે.

રાંદેર : ખાવસા, આલુપુરી, કુલ્ફી:
રાંદેર વિસ્તારના ખાવસા, આલુપુરી અને કુલ્ફી સૌથી વધારે પ્રખ્યાત છે. તેમાં પણ ખાવસા અને આલુપુરી તો અહી દરેકનો ખુબ જ પ્રિય નાસ્તામાંનો એક છે. મળતી માહિતી અનુસાર, સુરતીઓ એક કરોડના ખાવસા, આલુપુરી અને કુલ્ફી ખાય છે. તેનો વાર્ષિક બિઝનેસ લગભગ 01 કરોડ રૂપિયા છે.

ભાગળ, ચૌટાબજાર : સુરતી ઊંધિયું:
હવે વાત ઊંધિયાની કરીએ તો, અહી ઊંધિયું પોતાની એક અલગ જ ઓળખ ધરાવે છે. આ ઊંધિયું પાપડી, રતાળું, રવૈયાં, બટાકા, શક્કરિયા, લીલી તુવેર, વગેરે જેવા શાકભાજીથી બનાવવામાં આવે છે. આ ઊંધિયું ભાગળ અને ચૌટાબજાર વિસ્તારનું ખુબ જ પ્રખ્યાત છે. આ સિવાય ઊંધા માટલામાં બનાવાતું ઉંબાડિયું પણ પ્રખ્યાત છે. આનો વાર્ષિક બિઝનેસ 4 કરોડ રૂપિયાની આસપાસ નોંધાય છે.

નાણાવટ, લાલગેટ : ઘારી, નાનખટાઇ,ભુસુ:
અહીયાની ઘારી તો વિશ્વવિખ્યાત છે. ચૌટાબજાર અને રાજમાર્ગની ઘારી પ્રખ્યાત છે. ઘારીના ભાવ ખુબ જ વધારે હોવા છતાં પણ અહીયાના લોકો ઘારી ખાય છે. 11 હજાર રૂપિયા કિલો સુધીની  ઘારી મળે છે. અહીંયાની નાનખટાઇ અને ભુસુ પણ એટલું જ વખણાય છે. સુરતીઓ વર્ષે લગભગ 300 કરોડની મીઠાઇ અને ઘારી ખાય છે.

ચૌટાપુલ-ભાગળ : પેટિસ, સુરતી કચોરી:
પેટીસ અને સુરતી કચોરીની સુરતના ભાગળ તેમજ ચૌટાપુલ વિસ્તારની ફરસાણની દુકાનોમાં ડિમાન્ડ આખું વર્ષ જોવા મળે છે. આ એવી વાનગીઓ છે કે ઘણા ગ્રાહકો તો દુકાનમાં જ ઊભા રહીને તેમને ગરમાગરમ આરોગવાનું પસંદ કરે છે. આનો વાર્ષિક બિઝનેસ લગભગ 9 કરોડ રૂપિયા જેટલો જોવા મળે છે.

​​​​​​​ડુમસ : ટામેટાના ભજીયા અને રતાળુપુરી:
સુરતની સૌથી સુંદર જગ્યા ડુમસ. ખાવાના શોખીન સુરતીઓ ડુમસના દરિયા કિનારે જઈ ટામેટાનાં ભજિયાં ખાતા જોવા મળતા હોય છે. આ ઉપરાંત રતાળુપૂરી, બટાકાપૂરી અને કાંદાનાં ભજિયાં પણ હોય છે. વર્ષે દરમિયાન સુરતીઓ 1.50 કરોડનાં ભજિયાં ખાય છે.

​​​​​​​ચોકબજાર : રસાવાલા ખમણ અને લસ્સી:
વધુ એક ફેમસ વાનગી, રસાવાળા ખમણ. ચોકબજારના રસવાળા ખમણ ખુબ જ પ્રખ્યાત છે. રસાવાળા ખમણની લોકપ્રિયતા એટલી છે કે સપ્ટેમ્બર 2021માં સુરત આવેલા અમેરિકન રાજદૂત ડેવિડ રેન્ઝે સ્પેશિયલી રસાવાળા ખમણનો સ્વાદ માણ્યો હતો. માત્ર રસવાળા ખમણનો બિઝનેસ જ લગભગ 1 કરોડ રૂપિયા છે.

અડાજણ : પોંક,તીખી સેવ અને પોંકવડા:
શિયાળાની શરુવાતથી જ અહીના અડાજણમાં હોપપુલ પાસે સુરતીઓ આંધળીવાણી અને જુવારનો પોંક તેમજ પોંકના સ્પેશિયલ વડા અને તીખી સેવની મજા માણે છે. સુરતીઓ વર્ષે 2થી 4 કરોડની પોંક અને પોંકવડાની મજા માણે છે. શિયાળાની ઠંડીમાં આ ગરમ-ગરમ પોંક વડા ખાવાની મજા જ કઈક અલગ હોય છે.

​​​​​​​વરાછા : વણેલા ગાંઠિયા,કુંભણીયા ભજીયા:
સવાર પડતાની સાથે જ સુરતીઓને વરાછા સોરઠી સ્ટાઇલના વણેલા ગાંઠિયાની યાદ આવે. વહેલી સવારે તાજા તળેલા વણેલા ગાંઠિયા ખાવાની મજા જ કંઇક ઓર હોય છે. આ સિવાય રાત્રીના સમયે કુંભણિયા ભજીયા ખાવા માટે લોકો શહેરભરમાંથી આવતા જોવા મળે છે. આનો બિઝનેસ 1 કરોડ રૂપિયાની આસપાસ નોંધવામાં આવે છે.

​​​​​​નવસારી બજાર, ઉધનાદરવાજા : ખાજા:
નવસારી બજાર અને ઉધના દરવાજાના ખાજા પણ અહી ખુબ જ પ્રખ્યાત છે. રસ સાથે સરસિયા ખાજા ખાવાની પરંપરા સદીઓ જૂની છે. વર્ષે સુરતીઓ 2 કરોડના ખાજા ખાય છે. આ ખાજા વિશ્વવિખ્યાત છે. કેનેડા-ઇંગ્લેન્ડ જેવા દેશોમાં પણ ખાજાની નિકાસ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *