ગુજરાત(gujarat): રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનો સામે આવી રહી છે. ત્યારે આજ રોજ લીંબડી-અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માતની ઘટના સામે આવી છે. લીંબડીના કટારિયા ગામ નજીક ઇકો કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, પતરા ચીરીને ચાર યુવાનનાં મૃતદેહ બહાર કાઢવા પડ્યા હતા., જ્યારે અન્ય 2 યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતાં 108 મારફતે સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. રાજકોટના યુવાનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જતા હતા તે દરમિયાન આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો છે.
લગ્નપ્રસંગમાં જતાં ભરખી ગયો કાળ
રવિવારની રાતે રાજસ્થાન જઈ રહેલ યુવકોને લીંબડી-અમદાવાદ હાઈવે પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. તદુપરાંત 2 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર યુવાનો રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે જ લીંબડી અમદાવાદ હાઇવે પર આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
પતરા ચીરીને બહાર કઢાયા મૃતદેહો
અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી જઇ બચાવકાર્યમાં જોતરાયા હતાં. ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી હતી. લીંબડી પોલીસ અને સ્થાનિકોએ મૃતકોના મૃતદેહોને કારનાં પતરા ચીરીને બહાર કાઢ્યા હતા. મૃતદેહોને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પિટલ મોકલી આપી અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. બીજી બાજુ, આ યુવાનોના પરિવારને જાણ થતાં શોકમાં ડૂબ્યા છે.
મૃતકો અને ઈજાગ્રસ્તના નામ:
ઇકો અને બસ વચ્ચે સર્જાયેલ અક્સ્માતમાં સાગરભાઇ જે. પવાર (ઉંમર વર્ષ- 27, હાલ રહે-રાજકોટ મૂળ વતન- રાજસ્થાન), અનિલભાઈ બી. ચૌહાણ (ઉંમર વર્ષ- 25, રહે- રાજકોટ), સંદીપભાઇ કે. જોટાણિયા. (ઉંમર વર્ષ- 25, રહે- રાજકોટ), ઇમરાનભાઇ કે. સમા (ઉંમર વર્ષ- 24, રહે- રાજકોટ ) મૃત્યુ થયું છે. આ ઉપરાંત, રાઘવ સત્યપ્રકાશ, રાજ મકેશભાઈ ઇજાગ્રસ્ત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.