ભાવનગર રક્તરંજિત: પાંચ દિવસમાં ચાર હત્યા- કોણ છે જવાબદાર?

Published on: 12:27 pm, Sun, 28 April 19

ગુજરાતના ભાવનગરમાં લુખ્ખા તત્વો નો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવી રીતે સતત પાંચમા દિવસે ભાવનગરમાં હત્યાની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે ભાવનગર શહેરના જુની વિઠ્ઠલવાડી નજીક પાનના ગલ્લે બેઠેલા એક યુવાન પર જુની અદાવતની દાઝ રાખી ચાર જેટલા શખ્શોએ તલવાર સહિતના તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી તેનું ઘટના સ્થળે મોત નીપજાવ્યું હતું. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં માત્ર પાંચ દીવસના સમયગાળામાં ત્રણ-ત્રણ યુવાનોની હત્યાના પગલે ભાવેણાની ધરા ધૃજી ઉઠી છે. પોલીસ તંત્રના લેશમાત્ર ખૌફ વિના ઘટેલી રક્તરંજીત ઘટનાના પગલે ચકચાર છવાઇ જવા પામી છે. બે દિવસ પૂર્વે મોડી રાત્રિના 1.00 કલાકના અરસા દરમિયાન સિહોર તાલુકાના ઘાંઘળી ગામે પત્નીને બાંધી દઇ ચાર શખસોએ યુવાન પર તિક્ષ્ણ હથિયારના ઘા ફટકારી હત્યા કરી લૂંટ ચલાવી હતી ત્યાં બીજા દિવસે શહેર નજીક આવેલા સિદસર 25 વારિયામાં સસરાને ત્યાં થયેલ ઝઘડાને લઇ પહોંચેલ યુવાનની છરીનો ઘા ઝીંકી શખસે હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો હતો. બે બનાવો બાદ આજે બપોરે નજીવી બાબતમાં શહેરના પંચવટી ચોકમાં વિપ્ર યુવાનની કરપીણ હત્યા કરાતા શહેરભરમાં અરેરાટી મચી જવા પામી છે.

પહેલી હત્યા ઘાંઘળી, બીજી હત્યા સિદસરમાંત્રીજી હત્યા સુભાષનગરમાં થઇ હતી.